ખેડૂત ખેતર (Farms)માં તનતોડ મહેનત કરે ત્યારે સ્વપ્નમાં પણ ખ્યાલ નથી હોતો કે કોઈ માનવસર્જીત ભૂલને કારણે તેની મહેનત પર પાણી ફરી વળશે. છોટા ઉદેપુર (Chhota Udepur)ના પાવીજેતપુરના ખેડૂતો (Farmers)ની મહેનત પર નર્મદા વિભાગની ઘોર બેદરકારીને કારણે આવી જ પરિસ્થિતિ ઉભી થઈ છે. ખેડૂતો રડતા રડતા તંત્રના અધિકારીઓ સામે રોષ ઠાલવી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ખાતે સુખી સિંચાઈ ડેમ આમ તો ખેડૂતોને સિંચાઈનો લાભ મળે અને ખેડૂતોની ખેતીમાં બમણી આવક થાય તે માટે વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો. પરંતુ આજે એજ સીંચાઈના પાણીથી ખેડૂતો હવે બેહાલ બનતા જઈ રહ્યા છે.
હાલમાં ખેડૂતોને સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત છે. જેને લઈ સુખી સિંચાઈ વિભાગના ડેમ દ્વારા ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે તે માટે માઈનોર કેનાલો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પરંતુ પાવીજેતપુર તાલુકામાંથી પસાર થતી માઈનોર કેનાલમાં એટલા બધા ગાબડાં અને તીરાડો પડી છે કે ખેડૂતોના ખેતરમાં જે પાણી પહોચવું જોઈએ તેના કરતાં વધુ પાણી ખેતરોમાં જઈ રહ્યું છે. ઠેર ઠેર પડેલ ગાબડાંને લઈ સીધું પાણી તેમના ખેતરોમાં ઘુસી જતાં ઉભા પાકને નુકસાન કરી રહ્યું છે.
ખેડૂતો માટે હાલમાં ચોમાસામાં વધુ વરસાદથી થતી સ્થિતિ જેવુ નિર્માણ થયુ છે, જેના કારણે ખેડૂતો માટે વિકટ પરિસ્થિતિ હાલમાં ઉભી થઈ છે, જ્યાં જુવો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. પાણી જે ખેતરોમાં આવે છે તેને રોકવા માટે ખેડૂત પ્રયત્નો કરે છે, જે નિરર્થક નીવડે છે. ખેડૂતોએ સિંચાઈ વિભાગમાં જાણ કરી હોવા છતાં પણ કોઈ નિકાલ નથી આવ્યો.
આ વખતે સારો વરસાદ પણ થયો હતો અને ડેમમાં પાણી પણ સારું ભરાયું છે. જેને લઈ ખેડૂતોને એક આશા હતી કે તેમની ખેતી આ વર્ષે સારી થશે પણ જે વર્ષોથી સમસ્યા છે તે ફરી તેમની સામે આવી છે. વારંવારની સમસ્યાઓને કારણે ખેડૂતોને પોતાના પરિવારના ગુજરાન માટે કચ્છ સૌરાષ્ટ તરફ જવું પ઼ડે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓ કેનાલોની મરામતની કાળજી નથી લેતા, તેને લઈને મુશ્કેલી ઉભી થઈ છે. અધિકારીઓ આજે તેમની દશા જોવા પણ તૈયાર નથી.
તનતોડ મહેનત કર્યા પછી ડાંગરની કાપણી સમયે કેનાલના પાણી ખેતરમાં ઘુસી જતા ખેડૂતો માથે હાથ મુકીને રડવા લાગ્યા હતા. છતાં નર્મદા વિભાગના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. છેલ્લા 4 વર્ષથી ખેડૂતોની વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ દરકાર લેતા નથી.
આ પણ વાંચો- અમદાવાદની આ જમીન સાણંદના હજારો લોકો માટે બની છે ખજાનો, જાણો દિવસ-રાત ખોદકામ કરી લોકો શું કાઢી રહ્યા છે
આ પણ વાંચો- આજે PSI ભરતીની પ્રિલિમનરી પરીક્ષા, 312 પરીક્ષા કેન્દ્ર પર કડક બંદોબસ્ત ગોઠવાયો