છોટાઉદ્પુર: તુરખેડામાં આઝાદીના 80 વર્ષે પણ પાકો રસ્તો ન બનતા આદિવાસીઓ લડી લેવાના મૂડમાં, આગામી ચૂંટણીમાં જવાબ આપવાનો કર્યો નિર્ધાર

છોટાઉદેપુરના તુરખેડા ગામે આઝાદીના 80 વર્ષ બાદ પણ પાકા રસ્તાનો અભાવ છે. આદિવાસી વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે, જેના કારણે ગર્ભવતી મહિલાના મોત જેવી કરુણ ઘટનાઓ બની છે. હાઈકોર્ટના આદેશ છતાં વન વિભાગ અને તંત્રના તાલમેલના અભાવે કામ અટક્યું છે. ગ્રામજનોએ હવે આગામી ચૂંટણીમાં જવાબ આપવાનો નિર્ધાર કર્યો છે.

છોટાઉદ્પુર: તુરખેડામાં આઝાદીના 80 વર્ષે પણ પાકો રસ્તો ન બનતા આદિવાસીઓ લડી લેવાના મૂડમાં, આગામી ચૂંટણીમાં જવાબ આપવાનો કર્યો નિર્ધાર
| Edited By: | Updated on: Mar 26, 2026 | 2:10 PM

દેશભરમાં ગુજરાત મોડલના અને ગુજરાતના વિકાસના મસમોટા દાવા કરવામાં આવે છે. પરંતુ છેવાડાના વિસ્તારના લોકો સુધી આજે પણ વિકાસ પહોંચ્યો નથી. આઝાદી મળ્યાના 79 વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધા માટે લોકો સંઘર્ષ કરી રહ્યા છે. છોટાઉદેપુરના તુરખેડા ગામના લોકો આઝે પણ સાવ સામાન્ય કહી શકાય તેવા રોડ રસ્તાની સુવિધાથી વંચિત છે. પાકો રસ્તો ન હોવાને કારણે ગામમાં કોઈ એમ્બ્યુલન્સ પણ આવી શક્તિ નથી. આ જ ગામમાં એક સગર્ભા મહિલાને રસ્તાને અભાવે સમયસર હોસ્પિટલ ન પહોંચી શક્તા બાળક સાથે જીવ ગુમાવવો પડ્યો હતો. જે બાબતે હાઈકોર્ટે પણ સંજ્ઞાન લીધુ હતુ અને તાત્કાલિક રસ્તો બનાવવા માટેના નિર્દેશ આપ્યા હોવા છતા તંત્ર અને વન વિભાગ વચ્ચે તાલમેલ ન હોવાને કારણે આજ દિન સુધી ગામમાં રસ્તો બની શક્યો થી.

તુરખેડા ગામના લોકોને કોઈપણ કામ માટે પગપાળા ચાલીને જવુ પડે છે. ડુંગરાળ અને ઢોળાવવાળો માર્ગ હોવાથી કોઈ વાહન ગામમાં આવી શક્તુ નથી જેના કારણે ગામના લોકોને કોઈપણ કામ માટે લાંબા અંતર સુધી ચાલીને જવુ પડે છે. બે હજારની વસ્તી ધરાવતા ગામ પ્રત્યે તંત્ર દ્વારા સંપૂર્ણપણે ઉપેક્ષા સેવવામાં આવી રહી છે. ગામમાં રસ્તો ન હોવાથી સગર્ભા મહિલાઓ કે અન્ય કોઈ બીમાર વ્યક્તિને ઝોળીમાં નાખીને જીવના જોખમે ત્રણ કિલોમીટર સુધી ચાલીને આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે છે. ગામમાં ત્રણ કિલોમીટરનો માર્ગ એટલો ઢોળાવવાળો છે કે 108 એમ્બ્યુલન્સ કે બાઈક પણ આવી શક્તી નથી. એકમાત્ર પગપાળા ઝોળીમાં લઈ જવાનો જ વિકલ્પ બચે છે. ચોમાસામાં તો આ રસ્તો વધુ દુર્ગમ બની જાય છે. ગામલોકો દ્વારા સેંકડો રજૂઆતો કરાયા બાદ પણ પાકો રસ્તો બનતો નથી. વિ

દાયકાઓ બાદ પણ આ આદિવાસી વસ્તી ધરાવતા ગામમાં પાકો રસ્તો બનતો નથી. અવારનવાર આ પ્રકારે સગર્ભાને ઝોળીમાં નાખીને લઈ જવાના દૃશ્યો સામે આવે છે. ત્યારે કેટલાક નિર્લજ્જ નેતાઓ દ્વારા બેફામ નિવેદનો કરવામાં આવે છે કે આદિવાસી સમાજમાં ઝોળીમાં લઈ જવાની ફેશન જાગી છે. 24 કલાક એસી ઓફિસો અને ગાડીઓમાં ફરતા નફ્ફટ નેતાઓને આ ગરીબ લોકોની પીડા સમજાતી નથી અને જવાબદેહીમાંથી છટકવા બેફામ નિવેદનબાજી કરતા રહે છે.

અહીં રહેતા આદિવાસી લોકોની એક જ માગ છે કે અમે નહીં કહેતા કે અમારા ઘર સુધી 108 એમ્બ્યુલન્સ પહોંચે પરંતુ અમારા ગામસુધી તો પહોંચે એવુ અમે ઈચ્છી રહ્યા છીએ. ખાસ કરીને ચોમાસામાં અને રાત્રીના સમયે આ લોકોની સ્થિતિ વધુ કફોડી બની જાય છે. દુર્ગમ રસ્તા પર ઝોળી લઈને ચાલવામાં સગર્ભાનો જીવ પડીકે બંધાયેલો રહે છે. પરિવારના લોકોની દશા પણ અત્યંત કફોડી બની જાય છે. આ અંગે હાઈકોર્ટ દ્વારા પણ સુઓમોટો દાખલ કરી તાત્કાલિક સરકારને પગલા લેવા માટે આદેશ આપવામાં આવ્યા હચા. 7 કિલોમીટરનો પાકો રસ્તો મંજૂર થયો અન ખાતમુહૂર્ત પણ કરી દેવાયુ પરંતુ વન વિભાગની મંજૂરીના અભાવે આજદિન સુધી કામ શરૂ થઈ શક્યુ નથી. હવે તો આ વિસ્તારના લોકોમાં આક્રોશ સાથે આગામી ચૂંટણીમાં જવાબ આપવાનું મન બનાવી ચુક્યા છે.

આ બાબતે જ્યારે જિલ્લા પંચાયત માર્ગ મકાન ના અધિકારી ને પૂછવા માં આવતા તેમણે જણાવ્યું કે વન વિભાગ દ્વારા હાલ મંજૂરી મળી નથી. મંજૂરી મળતા જ કામ ની શરૂઆત કરવા માં આવશે.

આ બાબતે આદિજાતિ વિભાગના મંત્રી કવાંટ ખાતે આવ્યા ત્યારે તેમને પણ રજૂઆત કરવા માં આવી હતી તેમણે પણ જણાવ્યું હતું કે આ વાત મારા ધ્યાને આવી છે અને ટૂંક સમય માં કામ ને હાથ પર લઈશ. જો કે 80 વર્ષ સુધી આ ટૂંક સમય હજુ આવ્યો નથી. હાલ રજૂઆતો કરી કરીને આ ગામના લોકો થાક્યા છે. પરંતુ નફ્ફટ તંત્રને કોઈ અસર થઈ રહી નથી. હવે ગામલોકોએ મીડિયાનો સહારો લઈ ઢોલ નગારા વગાડી બહેરા તંત્રના કાને પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

સગર્ભા મહિલાઓના મોત જેવા ગંભીર બનાવો બન્યા છતાં તંત્ર હજુ પણ નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે હજુ કેટલી સગર્ભાએ તંત્રની આંખ ખોલવા માટે ભોગ દેવો પડશે.

Input Credit- Maqbul Mansuri- Chhota Udepur

ટ્રમ્પે ઈરાન સામે કરેલી સીઝફાયરની ઘોષણા એ વૈશ્વિક શાંતિનો પ્રયાસ કે બજાર બચાવવાનો આર્થિક પેંતરો?- વાંચો

Published On - 2:08 pm, Thu, 26 March 26

Follow Us