અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને મળ્યો બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ, શિક્ષણ જાગૃતિ અંગે 20 ભાષામાં ગીતો ગાઈ પીએમ મોદીને પણ કરી દીધા અચંબિત- જુઓ Video
અમરેલીના સાવરકુંડલાના વતની અને બાઢડા ગામની શાળામાં કાર્યકારી મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક ચંદ્રેશ બોરીસાગર તેમની આગવી શિક્ષણ શૈલી માટે સમગ્ર રાજ્યમાં જાણીતા છે. ચંદ્રેશ બોરીસાગર શિક્ષણ જાગૃતિ માટે તેમની બાઈક પર ગામેગામ ફરે છે અને બાળકો શાળાએ જતા થાય અને શિક્ષણ મેળવે તે માટે તેઓ ગીતો ગાઈને, અભિનયથી સમજાવે છે. તેમની આ શૈલી બાળકોને પણ ખૂબ પસંદ પડે છે અને બાળકો હોંશે હોંશે શાળાએ જાય છે
અમરેલીના સાવરકુંડલા તાલુકાના એક એવા અનોખા શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને તેમની આગવી શિક્ષણ શૈલી અને ગમ્મત સાથે જ્ઞાન પીરસવાની કળાથી આ શિક્ષક દિને બેસ્ટ નેશનલ ટીચર્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિના હસ્તે તેમને આ નેશનલ ઍવોર્ડ એનાયત થયો છે. તેઓ જ્યારે ઍવોર્ડ લેવા ગયા તે બાદ રાષ્ટ્રપતિ પુરસ્કાર મેળવનાર આ તમામ શિક્ષકો સાથે પીએમ મોદીએ મુલાકાત કરી હતી જેમા ચંદ્રેશ બોરીસાગર પણ હતા. આ મુલાકાત દરમિયાન ચંદ્રેશ બોરીસાગરે શિક્ષણ જાગૃતિ અંગેના એક નહીં પરંતુ 20 અલગ અલગ ભાષામાં ગીત ગાઈ પીએમ મોદીને પણ અચંબિત કરી દીધા હતા અને તેમની આ આવડત જોઈ પીએમ મોદી પણ ઘણા પ્રભાવિત થયા હતા અને તેમની પ્રશંસા કરી હતી.
ચંદ્રેશ બોરીસાગર બાઢ઼ડાની શાળામાં કાર્યકારી મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને ચંદ્રેશકુમારના પ્રયાસોથી તેમની આ શાળા દરેક પ્રવૃતિમાં પ્રથમ ક્રમાંકે આવે છે. આ શિક્ષકે તેમની ભણાવવાની શૈલીમાં અનેક નવા પ્રયોગો કરી બાળકોને કંટાળાજનક લાગતા શિક્ષણને રસપ્રદ બનાવે છે અને શિક્ષણકાર્યમાં નવા પ્રાણ ફુંકવાનું કામ કર્યુ છે. આ પ્રયોગોની હકારાત્મક અસર બાળકોના ઘડતરમાં પણ જોવા મળી છે. આ વર્ષે દેશભરમાંથી કૂલ 50 શિક્ષકોને શ્રેષ્ઠ રાષ્ટ્રીય શિક્ષક તરીકે નવાજવામાં આવ્યા છે જેમા ગુજરાતના અમરેલી જિલ્લાના ચંદ્રેશ બોરીસાગરનો પણ સમાવેશ થાય છે.
ચંદ્રેશ બોરીસાગર જ્યારે પીએમ મોદીને મળ્યા ત્યારે તેમણે પંખીડા તુ ઉડી જાજે ગરબામાં ફેરફાર કરી “પંખીડા તુ ઉડી જાજે , ગામેદામ રે… ગામના બાળકોને કહેજે ભણવા આવે રે, મારા દેશના બાળકો તમે ભણવા આવો રે… વહેલા આવો, નિયમિત આવો, રોજ આવો રે” સંભળાવ્યુ હતુ. ચંદ્રેશ બોરીસાગરે આવા અનેક લોકગીતને શૈક્ષણિક લોકજાગૃતિ માટે આ રીતે ઉપયોગમાં લઈને પોતાની આગવી શૈલીનું ઉદાહરણ પુરુ પાડ્યુ છે.