
બનાસડેરીના વિકાસની વાત કરતા અમિત શાહે કહ્યું કે, સ્વર્ગીય ગલબાભાઈએ પશુપાલકોના હિતમાં વર્ષ 1986માં ફ્કત આઠ ગામની દૂધ મંડળીઓ થકી દૂધ મેળવવાની શરૂઆત કરી હતી તે સંસ્થા આજે 24 હજાર કરોડના ટર્નઓવર સુધી પહોંચી છે. જે યાત્રા ફક્ત 400 રૂપિયાથી શરૂ કરીને આજે 24 હજાર કરોડના વેપાર સુધી પહોંચી છે તેનો શ્રેય અહીંના પશુપાલકોને જાય છે.

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, વર્ષો પહેલા બૃહદ બનાસકાંઠા જિલ્લો સૂકો ભઠ્ઠ વિસ્તાર ગણાતો હતો. આ જિલ્લામાં ફક્ત ચોમાસુ આધારિત એક જ ખેતી થતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂકા ગણાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોની ચિંતા કરીને સુજલામ સુફલામ્ અને નર્મદા કેનાલ આ વિસ્તારને આપીને ખેડૂતોને આત્મનિર્ભર બનાવ્યા છે. આજે અહીં વર્ષમાં ત્રણ ખેતી પાક થઈ શકે છે. બનાસકાંઠામાં જળ સંચયનું શ્રેષ્ઠ કામ થયું છે. બનાસની માતા-બહેનોની મહેનતથી આજે બનાસ મોડેલ વટવૃક્ષ બન્યું છે.

અમિતભાઈ શાહે જણાવ્યું કે, સહકાર મંત્રાલય થકી ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે કામ થઈ રહ્યું છે. ડેરીને ચક્રીય વ્યવસ્થા બનાવાશે, જેનો સીધો ફાયદો પશુપાલકોને મળી રહેશે તથા આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં 20 ટકાનો વધારો થશે.

આગામી સમયમાં ડેરી પ્રોડક્ટ સાથે સાથે અનેક ક્ષેત્રમાં સહકારિતાની ભાગીદારી વધારવામાં આવશે. આજે ગામડાનો ખેડૂત પોતાની પ્રોડક્ટ વિશ્વ સ્તરે વેચી શકે તે મુજબની વ્યવસ્થા ઉભી કરાઈ છે.

આગામી જાન્યુઆરી 2026માં દેશની 250 જેટલી ડેરીના ચેરમેન અને એમ.ડી બનાસ મોડલ વિકાસને નજીકથી જોવા માટે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેશે તેમ જણાવ્યું હતું.

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના આટલા વર્ષો બાદ સહકાર મંત્રાલય ઉભુ કરીને ગામડાના વિકાસ માટે કામ કર્યું છે. ખેડૂતો વિશ્વ સ્તરે પોતાની પ્રોડક્ટ વેચી શકે તે માટે ભારત સરકારે સંસ્થા સ્થાપી છે. જેનું ફક્ત 1 વર્ષમાં 4283 કરોડનું ટર્નઓવર થયું છે. ખેડૂતોના હિત માટે સરકારે ભારત ઓર્ગેનિક સંસ્થાની પણ શરૂઆત કરી છે.