
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ચોમાસા દરમિયાન પૂરથી પ્રભાવિત રાજ્યોને રાહત અને બચાવ કામગીરી માટે રાજ્ય આપદા પ્રતિસાદ નિધિ (SDRF)ના કેન્દ્રીય હિસ્સામાંથી કુલ રૂ. 2,117.85 કરોડની આગોતરી સહાય મંજૂર કરી છે. આ નિર્ણય હેઠળ ગુજરાતને રૂ. 500 કરોડની આગોતરી સહાય આપવામાં આવશે.
કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂરગ્રસ્ત રાજ્યોને રાહત, બચાવ અને પુનર્વસન માટે જરૂરી તમામ સહાય પૂરી પાડવાની પ્રતિબદ્ધતા છે. કેન્દ્ર સરકાર સમગ્ર ચોમાસા દરમિયાન રાજ્યો સાથે સતત સંપર્કમાં રહી સ્થિતિ પર નજર રાખી રહી છે.
ગુજરાત સહિત પૂરથી અસરગ્રસ્ત રાજ્યોમાં જરૂરિયાત મુજબ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમોની પૂર્વ તૈનાતી કરવામાં આવી છે. સાથે જ સંરક્ષણ મંત્રાલય દ્વારા લોજિસ્ટિક્સ સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેથી રાહત અને બચાવ કામગીરી ઝડપથી થઈ શકે.
કેન્દ્ર સરકારે જણાવ્યું કે ગુજરાતને SDRFની પ્રથમ હપ્તાની આગોતરી રકમ તરીકે રૂ. 500 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ માટે લાગુ માર્ગદર્શિકાઓ હેઠળ જરૂરી દસ્તાવેજી પ્રક્રિયામાં પણ છૂટ આપવામાં આવી છે, જેથી સહાય ઝડપથી રાજ્ય સુધી પહોંચી શકે.
આ પેકેજ હેઠળ અરુણાચલ પ્રદેશને રૂ. 44.55 કરોડ, આસામને રૂ. 379.35 કરોડ, ગુજરાતને રૂ. 500 કરોડ, મહારાષ્ટ્રને રૂ. 500 કરોડ, હિમાચલ પ્રદેશને રૂ. 193.95 કરોડ અને ઓડિશાને રૂ. 500 કરોડની સહાય આપવામાં આવશે. કુલ મળીને પૂર પ્રભાવિત રાજ્યોને રાહત, બચાવ અને તાત્કાલિક પ્રતિસાદ કામગીરી માટે રૂ. 2,117.85 કરોડની કેન્દ્રીય સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ચોમાસા દરમિયાન પૂર જેવી પરિસ્થિતિમાં રાજ્યોને જરૂરી તમામ સહયોગ અને આર્થિક સહાય સમયસર મળી રહે તે માટે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.