ગુજરાતમાં ચકચાર મચાવનાર BZ ગ્રુપના કૌભાંડ મામલે CID ક્રાઇમે તપાસ તેજ કરી છે. આ સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધી 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલામાં મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટ સહિતના લોકોનો સમાવેશ થાય છે.
CID ક્રાઇમે એજન્ટ મયુર દરજી, વિશાલ ઝાલા, રાહુલ રાઠોડ, આશિક ભરથરી, સંજય પરમાર, અંકિતસિંહ અને રણવીરસિંહની ધરપકડ કરી છે. જેમાંથી માત્ર મયુર દરજીને જ કોર્ટમાં રજૂ કરી CID ક્રાઇમે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. ત્યારે કોર્ટે આરોપી મયુરના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે અન્ય આરોપીઓના રિમાન્ડ ન માગતા તર્ક વિતર્ક સર્જાયા છે.
કરોડોના કૌભાંડીને શોધવા CID ક્રાઇમનો એક્શન પ્લાન તૈયાર કર્યો હોવાનું સામે આવ્યુ છે. TV9 સાથેની ખાસ વાતચીતમાં CID ક્રાઇમના DySPનું નિવેદન આપતા જણાવ્યુ છે કે આરોપીઓને શોધવા માટે 4 ટીમો બનાવવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને શોધવા માટે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. બેંક એકાઉન્ટની તપાસમાં 175 કરોડના કૌભાંડના પુરાવા મળ્યા છે. જો કે 7 આરોપીની પુછપરછમાં 175 કરોડના વ્યવહારોના પુરાવા મળ્યા છે.
એજન્ટો અને BZ ગ્રુપમાં રોકાણકારોની યાદી પણ મળી છે. એજન્ટો ઉત્તર ગુજરાતના નિવૃત લોકોને ટાર્ગેટ કરતા હતા. રોકાણના નાણાં ક્યાં રોક્યા, કેટલી મિલકતો વસાવી છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તો હવે CIDની ટીમે રોકાણકારોનો સંપર્ક સાંધવાની દિશામાં તપાસ હાથ ધરવામાં છે. રોકાણકારો અને એજન્ટની યાદી મળ્યા બાદ કૌભાંડનો સાચો આંકડો સામે આવશે તેવું અધિકારીઓ માની રહ્યા છે.
ધરપકડ બાદ CIDના અધિકારીઓ એજન્ટોની રાતભર પૂછપરછ હાથ ધરી છે. જેમાં કૌભાંડમાં કોણ કોણ સામેલ હતા, કેવી રીતે કૌભાંડ ચાલતુ હતું તે અંગે વિગતવાર પૂછપરછ કરવામાં આવી. આ સાથે જ એજન્ટોને આપવામાં આવેલી કાર તથા અન્ય ચીજવસ્તુઓ પણ કબ્જે કરાઈ છે.
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મયુર દરજી BZ ગ્રુપમાં અઢી કરોડનું રોકાણ કર્યું હતું. તો ઠગ કંપની એજન્ટોને 5થી 25 ટકા સુધી કમિશન આપતી હતી. 5 લાખના રોકાણમાં મોબાઈલ અને 10 લાખ રોકાણમાં સ્માર્ટ ટીવી અપાતું. ઠગબાજોએ વર્ષ 2016થી કંપની હાથ ધરવામાં આવી છે. 2020માં સમગ્ર રાજ્યમાં તેની જાળ બિછાવી આરોપીઓ હિંમતનગર, અરવલ્લી અને મહેસાણામાં ઓફિસ ખોલી હોવાની વિગતો છે.
BZ ગ્રુપના કાર્યવાહીના પગલે CA રુષિત મહેતાના ઘરે CID દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. રુષિત મહેતાની ઓફિસ અને ઘરે તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે. હિંમતનગરના મહાવીરનગરમાં રુષિતની ઓફિસ અને ઘર આવેલી છે. ₹6 હજાર કરોડના BZ ગ્રુપના કૌભાંડમાં વધુ ખુલાસા આવી શકે તેમ છે.