Breaking News: રાજકોટના મિનિએચર આર્ટિસ્ટની અનોખી ભેટ, કેપ્ટન સ્મિત મચ્છરને આપશે માત્ર એક ગ્રામની હનુમાન ચાલીસા
એક એવી હનુમાન ચાલીસા, જેનું વજન માત્ર એક ગ્રામ છે અને કદ એટલું નાનું છે કે તેને જોઈને આંખો પણ છેતરાઈ જાય! રાજકોટના શિક્ષણવિદ અને મિનિએચર આર્ટિસ્ટ ડૉ. નિરંજન વાગડિયાએ પોતાની આ અનોખી કલાકૃતિ ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરને ભેટ આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

એક એવી હનુમાન ચાલીસા, જેનું વજન માત્ર એક ગ્રામ છે અને કદ એટલું નાનું છે કે તેને જોઈને આંખો પણ છેતરાઈ જાય! રાજકોટના શિક્ષણવિદ અને મિનિએચર આર્ટિસ્ટ ડૉ. નિરંજન વાગડિયાએ પોતાની આ અનોખી કલાકૃતિ ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરને ભેટ આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ હનુમાન ચાલીસાનું કદ માત્ર 10 બાય 14 મિલીમીટર છે અને તેમાં કુલ 21 પાનાં છે. આટલા નાના કદમાં આખી હનુમાન ચાલીસાને સમાવી દેવી એ સૂક્ષ્મ કારીગરી, ધીરજ અને કલાનો અદભુત નમૂનો છે.
સંકટ સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરતા રહ્યા હતા કેપ્ટન સ્મિત
આકાશમાં હજારો ફૂટની ઊંચાઈએ મુસાફરો પર સંકટ આવ્યું ત્યારે ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છર હનુમાન ચાલીસાનો પાઠ કરતા રહ્યા હોવાની વાત સામે આવી હતી. પોતાની બહાદુરી અને હિંમતથી મુસાફરોને બચાવનાર કેપ્ટન સ્મિતે દેશભરમાં ઓળખ મેળવી હતી. તેમની હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને રાજકોટના ડૉ. નિરંજન વાગડિયાએ તેમને દુનિયાની સૌથી નાની હનુમાન ચાલીસા ભેટ આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાઈ ચૂકી છે કલાકૃતિ
ડૉ. નિરંજન વાગડિયા મિનિએચર આર્ટિસ્ટ હોવાની સાથે શિક્ષણવિદ પણ છે. તેમની કળાને ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળી ચૂક્યું છે. તેમની આ વિશેષ કલાકૃતિ હવે હનુમાન ભક્ત કેપ્ટન સ્મિત મચ્છર સુધી પહોંચે તેવી તેમની ઈચ્છા છે. માત્ર એક ગ્રામ વજન ધરાવતી અને 21 પાનાંમાં તૈયાર થયેલી આ નાનકડી હનુમાન ચાલીસા આસ્થા સાથે સૂક્ષ્મ કારીગરીનું પણ અનોખું ઉદાહરણ બની છે.
ફ્લાઇટ હાઇજેક કે ક્રેશ થવાનો મોટો હુમલો નિષ્ફળ બનાવ્યો હતો
મહત્વનું છે કે 30 સપ્ટેમ્બર 2026ના રોજ દુબઈથી ઇઝરાયેલ (તેલ અવીવ) જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 જ્યારે 34,000 ફૂટની ઊંચાઈએ હવામાં હતી, ત્યારે કો-પાયલોટે પ્લેનને હાઇજેક કરવા કે ક્રેશ કરવાના ઈરાદાથી મુખ્ય પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છર પર તીક્ષ્ણ હથિયાર વડે હિંસક હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ થવા છતાં, કેપ્ટન સ્મિતે અદભુત માનસિક સંતુલન અને બહાદુરી દાખવી પ્લેન પરનો કંટ્રોલ જાળવી રાખ્યો હતો, તેમજ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની મદદથી હુમલાખોર કો-પાયલોટને કેબિનમાં જ કાબૂમાં લીધો હતો. ત્યારબાદ તેમણે અત્યંત સુઝબુઝ સાથે સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર ફ્લાઇટનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવીને પ્લેનમાં સવાર તમામ ૧૮૦ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના જીવ બચાવી એક મોટી આતંકી હોનારત ટાળી હતી. આ પણ વાંચો- Breaking News : ભાવનગરમાં નવરાત્રિ દરમિયાન હોબાળો, વિધર્મીઓની હાજરીના મુદ્દે હિંદુ સંગઠનોનો વિરોધ, જુઓ Video