Breaking News : ચોટીલામાં રોપ-વે બનાવવાનો માર્ગ થયો મોકળો, ગુજરાત હાઇકોર્ટે ફગાવી અરજી

ચોટીલા ડુંગર પર તૈયાર થઈ રહેલા રોપ વે પ્રોજેક્ટને લઈને અરજદારે સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે ગુજરાત હાઇકોર્ટે અરજદારની તમામ માગણીઓ ફગાવી છે.

Breaking News : ચોટીલામાં રોપ-વે બનાવવાનો માર્ગ થયો મોકળો, ગુજરાત હાઇકોર્ટે ફગાવી અરજી
| Edited By: | Updated on: May 04, 2023 | 12:38 PM

પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં રોપ-વે બનાવવાનો માર્ગ હવે મોકળો થયો છે. ગુજરાત હાઇકોર્ટે રોપ-વે કાર્યવાહી મામલે રોક લગાવવાની માગ સાથેની અરજી ફગાવી છે. ચોટીલા ડુંગર પર તૈયાર થઈ રહેલા રોપ વે પ્રોજેક્ટને લઈને અરજદારે સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે ગુજરાત હાઇકોર્ટે અરજદારની તમામ માગણીઓ ફગાવી છે.

સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા ચામુંડા માતાજીના મંદિરે જવા માટે ચોટીલા ડુંગર પર રોપ-વે શરૂ કરવા અંગે લાંબા સમયથી વિચારણા ચાલી રહી છે. આ અંગે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. જો કે અરજદાર દ્વારા આઉટડેટેડ ટેકનોલોજીવાળા રોપ-વેની મંજૂરી સામે દહેશત વ્યક્ત કરવામાં આવી હતી.

અરજદારે કરેલી પીટીશનમાં રજુઆત કરવામાં આવી હતી કે રોપ વેનું કામ જેને આપવામાં આવ્યું છે તેને આ પ્રકારનો કોઈ પણ અનુભવ નથી. જેથી આ પ્રોજેક્ટ તેને ન મળવો જોઇએ. જો કે ગુજરાત હાઇકોર્ટે અરજી ફગાવતા રોપ વે પ્રોજેક્ટનો માર્ગ મોકળો બન્યો છે.

 અરજદારની શું રજૂઆત હતી ?

રોપ વે બનાવવા માટે જે રજૂઆત કરવામાં આવી હતી. તેમાં અરજદાર દ્વારા ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી.  અરજદારે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જો રોપ વેને આઉટડેટેડ ટેકનોલોજી વાળા લાવવામાં આવશે તો મોરબી બ્રિજ જેવી દુર્ઘટના પણ બની શકે છે. ચામુંડા માતા મંદિરની મુલાકાત રોજ લાખો અને હજારોની સંખ્યામાં મુલાકાતીઓ દર્શનાર્થે આવતા હોય છે. એવા સમયમાં જો આઉટડેટેડ ટેકનોલોજી વાળા રોપ વે હશે તો મોરબી જેવી દુર્ઘટના પણ બની શકે છે.

આપને જણાવી દઈએ કે જૂનાગઢમાં ગીરનાર ડુંગર પર રોપ-વેને મંજૂરી મળી ત્યારથી ચોટીલા ડુંગર પર રોપ-વેને લગાવવા માટેની ચર્ચા ચાલી રહી હતી. આ અંગે કેબિનેટ દ્વારા પ્રસ્તાવિત મંજૂરી પણ આપી દેવાઈ હતી. જો કે બાદમાં આ રોપ-વે બનાવવા માટે જે ટેકનોલોજીનો ઉપયોગ થવાનો છે તેને લઈને વિવાદ થયો હતો અને સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. જેને લઈને હાલ ચોટીલા રોપ-વે પ્રોજેક્ટ અદ્ધરતાલ મુકાયો હતો.જો કે હવે હાઇકોર્ટે અરજી ફગાવતા ચોટીલામાં રોપ-વે બની શકશે.

ઉલ્લેખનીય છે કે અનેક લોકોના આસ્થાના કેન્દ્ર સમાન ચોટીલા માતાજીના મંદિરે જવા ભાવિકોની સુવિધા માટે રોપ-વેની ખાસ જરૂર છે. આ અંગે ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા પણ રોપ-વેની માગ કરાઈ છે. જો કે સરકારના એક કોન્ટ્રાક્ટરની ફેવર કરી કોન્ટાક્ટ આપવાના ઈરાદા સામે હાલ સવાલ ઉઠ્યા છે. જેને લઈને ગુજરાત હાઈકોર્ટે પણ ટેન્ડર પ્રક્રિયા સામે સવાલ ઉઠાવ્યા હતા.

Published On - 12:13 pm, Thu, 4 May 23