
મહેસાણા જિલ્લામાં લોકપ્રિય ગાયિકા કાજલ મહેરિયાના છૂટાછેડાની ખોટી અરજીનો મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ. આ ઘટનાએ ફરી એકવાર ગાયિકાને વિવાદોના વમળમાં ઘેરી લીધી. મહેસાણા કોર્ટમાં કાજલ મહેરિયાના નામે એક બોગસ ડિવોર્સ અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પગલે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.
પોતાના છૂટાછેડા થયા હોવાના અહેવાલો અને કોર્ટમાં થયેલી અરજીની જાણ થતાં જ કાજલ મહેરિયાએ ત્વરિત કાર્યવાહી કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમણે કોઈ છૂટાછેડા લીધા નથી અને તેમના નામે આ ખોટી અરજી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મહેસાણા એ ડિવિઝન પોલીસમાં અરજી કરી છે. પોલીસને આપેલી ફરિયાદમાં કાજલ મહેરિયાએ આ સમગ્ર ષડયંત્ર પાછળ કોણ છે તેની તપાસ કરવા અને દોષિતો સામે કાયદેસરના પગલાં ભરવા વિનંતી કરી છે.
મહેસાણા ફેમિલી કોર્ટમાં દાખલ થયેલી આ છૂટાછેડાની અરજી ગતરોજ રદ કરવામાં આવી છે. કોર્ટને જાણવા મળ્યું હતું કે અરજીમાં કરવામાં આવેલી રજૂઆતો અને સહીઓ પ્રાથમિક દ્રષ્ટિએ ખોટી હોવાનું જણાઈ આવ્યું છે. આ અરજી કોઈ વકીલ મારફતે કરવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી રહી છે, જે આ મામલાને વધુ ગંભીર બનાવે છે. હવે પોલીસ આ વકીલ અને અરજી કરનાર બંનેની ભૂમિકા અંગે સઘન તપાસ કરશે.
ઉલ્લેખનીય છે કે કાજલ મહેરિયાના અલ્પેશ ઠાકોર સાથેના લગ્ન પણ અગાઉ ઘણા વિવાદમાં રહ્યા હતા. તે સમયે પણ સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ અને અફવાઓ વહેતી થઈ હતી. હવે આ ખોટી છૂટાછેડા અરજીને કારણે ફરી એકવાર આ વિવાદે જોર પકડ્યું છે. આ ઘટનાથી કાજલ મહેરિયા અને તેમના ચાહકોમાં આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે.
સંવાદદાતાના જણાવ્યા અનુસાર કાજલ મહેરિયાએ તેમના વકીલ મારફતે પોલીસને કરેલી અરજીમાં, જે કોઈ વ્યક્તિએ આ ખોટી અરજી કરી છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. પીઆઈએ ટેલિફોનિક વિગતો આપતા જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ સત્ય બહાર આવશે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ આ રહસ્ય પરથી પડદો ઊંચકાશે કે આખરે કાજલ મહેરિયાના નામે આ બોગસ અરજી કોણે અને શા માટે કરી હતી.
DMartમાં ખરીદી કરતા પહેલા ચેતી જજો! પૂર્વ કર્મચારીએ કર્યો ચોંકાવનારો દાવો, જુઓ Viral Video આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો