
સુરત શહેરમાં ગઈકાલે રાતથી શરૂ થયેલી અવિરત વરસાદી ધબધબાટીના કારણે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં આશરે 5.04 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ સુરતમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે તાપી નદી બે કાંઠે વહી રહી છે અને કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જ્યારે ઉકાઈ ડેમની સપાટી 313.59 ફૂટે પહોંચી છે.
ધોધમાર વરસાદ અને ડ્રેનેજ સિસ્ટમ ફેલ થઈ જવાના કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને શહેરની તમામ મુખ્ય ખાડીઓ ભયજનક સપાટી વટાવી જતાં ખાડીપૂરનો ભય વ્યાપી ગયો છે:
ખાડીઓ ઓવરફ્લો થવાના કારણે મહાવીર ચોકથી લક્ષ્મણ નગર સુધીનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતાં બંધ કરી દેવામાં આવ્યો છે, જેનાથી વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા છે.
ભેદવાડ ખાડીનું પાણી પાંડેસરાના પ્રેમ નગર વિસ્તારમાં ઘૂસી જતાં, મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમોએ રાત્રે બોટ મારફતે સતત ચેકિંગ હાથ ધર્યું હતું. પાણી વધુ ભરાય તે પહેલાં જ મનપાએ પ્રેમ નગરના 62 પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. અત્યાર સુધીમાં ખાડી નજીકના વિસ્તારોમાંથી 2,244 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ખાડીઓમાં પાણીનું સ્તર વધતાં અને રસ્તાઓ જળમગ્ન થવાના કારણે ‘ફોસ્ટા’ (FOSTTA) દ્વારા આજે સુરતનું પ્રખ્યાત ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વેપારીઓ અને કારીગરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. પૂર અને વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે સુરત જિલ્લા તંત્ર અને પાલિકાનું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે.
Published On - 1:14 pm, Thu, 23 July 26