Breaking News : પાટણમાં વીજકાપ સામે ખેડૂતોનો વિરોધ, ઢોલ-નગારાં સાથે રેલી યોજી UGVCL કચેરીએ પહોંચ્યા ! જુઓ Video
પાટણ જિલ્લામાં ખેડૂતો હવે વીજળીની અનિયમિત સમસ્યાને લઈને મેદાનમાં ઉતર્યા છે. સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે વીજકાપના મુદ્દે ખેડૂતો સહિત ગ્રામજનોએ ઢોલ-નગારાં સાથે રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો.
પાટણ જિલ્લામાં ખેડૂતો હવે વીજળીની અનિયમિત સમસ્યાને લઈને મેદાનમાં ઉતર્યા છે. સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે વીજકાપના મુદ્દે ખેડૂતો સહિત ગ્રામજનોએ ઢોલ-નગારાં સાથે રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. રેલી UGVCLની કચેરીએ પહોંચ્યા બાદ ગ્રામજનોએ નિયમિત વીજ પુરવઠો મળી રહે તેવી માંગ સાથે અધિકારીઓને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
જંગરાલ ગામના ખેડૂતો અને વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા. આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ UGVCLના નાયબ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપીને વીજકાપની સમસ્યા વહેલી તકે દૂર કરવા રજૂઆત કરી હતી.
શું છે માંગ?
વીજળીના સમયપત્રકમાં અનિયમિતતા સર્જાતાં ખેતીકામમાં મુશ્કેલીઓ પડી રહી છે. ખાસ કરીને સવારે અને સાંજે સમયસર વીજળી ન મળતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. વીજ પુરવઠાના સમયમાં ફેરફારને કારણે ખેડૂતોને સિંચાઈ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
માંગ કરી છે કે તેમને દરરોજ નવ કલાક વીજળી આપવામાં આવે અને તેનો સમય ખેતીકામ માટે અનુકૂળ રાખવામાં આવે. સાથે જ વીજ પુરવઠો નિયમિત રહે અને વારંવાર વીજકાપની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
