
ભારતીય સેનાની તાકાત વધારવા માટે ખાસ ઓલ-ટેરેન વ્હીકલ (ATV)નું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના સુરત નજીક હજીરામાં લાર્સન એન્ડ ટુબ્રો અને બ્રિટનની કંપની BAE સિસ્ટમ્સે BVS 10 સિંધુનું ઉત્પાદન શરૂ કર્યું છે. ભારતીય સેનાએ હાલમાં આવા 18 વાહનોનો ઓર્ડર આપ્યો છે. આ વાહનોને લદ્દાખ જેવા અત્યંત ઊંચાઈવાળા વિસ્તારોમાં તહેનાત કરવામાં આવશે. અહીં સેનાના જવાનોએ 18,000 ફૂટની ઊંચાઈએ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઓપરેશન પાર પાડવું પડે છે.
BVS 10 સિંધુની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માઇનસ 55 ડિગ્રી સેલ્સિયસ જેટલી કડકડતી ઠંડી અને બરફીલા વિસ્તારોમાં પણ કામ કરી શકે છે. સૈનિકોની અવરજવર અને મુશ્કેલ વિસ્તારોમાં ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ વાહન તૈયાર કરવામાં આવ્યું છે. બીજી તરફ, પાકિસ્તાનની સરહદને અડીને આવેલા કચ્છ વિસ્તારમાં પણ આ વાહનો તહેનાત કરવાની યોજના છે.
અહીં ઉનાળામાં તાપમાન 55 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આવા સંજોગોમાં કાદવવાળી જમીન, રણપ્રદેશ અને ગ્રેટ રણ ઑફ કચ્છમાં પેટ્રોલિંગ દરમિયાન આ વાહનો ભારતીય સેના માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. એટલે કે, લદ્દાખની હાડ થીજાવી દેતી ઠંડી હોય કે કચ્છની આકરી ગરમી, BVS 10 સિંધુ વિવિધ પડકારજનક પરિસ્થિતિઓમાં ભારતીય સેનાની ઓપરેશનલ ક્ષમતા વધારવામાં મદદ કરશે.