Breaking News : જંગલની જમીન પર ખેતી કરતા આદિવાસી ખેડૂતોને બેદખલ કરવા સામે હાઈકોર્ટની રોક

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના વલણ અંગે સવાલો ઉઠાવ્યા હતા. હાઈકોર્ટે નોંધ્યું કે એક તરફ સરકાર સુપ્રીમ કોર્ટ સમક્ષ આદિવાસીઓને જમીન ખેડવા દેવાની વાત કરે છે, જ્યારે બીજી તરફ અહીં તેમને ખેતી કરતા રોકવામાં આવી રહ્યા હોવાની રજૂઆત સામે આવી રહી છે.

Breaking News : જંગલની જમીન પર ખેતી કરતા આદિવાસી ખેડૂતોને બેદખલ કરવા સામે હાઈકોર્ટની રોક
| Edited By: | Updated on: Sep 22, 2026 | 2:41 PM

નર્મદાના સાગબારા તાલુકાના આદિવાસી ખેડૂતોના જમીન અને ખેતીના અધિકારનો મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. વર્ષોથી જંગલ જમીન પર ખેતી કરતા હોવાનો દાવો કરતા અનેક આદિવાસી ખેડૂતોએ કોર્ટમાં અરજી કરીને તેમને પડતી મુશ્કેલીઓ અને બેદખલીની કાર્યવાહી અંગે રજૂઆત કરી છે. સાગબારા સહિતના વિસ્તારોમાં જંગલ જમીન પર ખેતીના અધિકારને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

વર્ષોથી ટેકનિકલ બાબતોના કારણે મુશ્કેલીનો આક્ષેપ

અરજદારો તરફથી હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી કે તેઓ વર્ષોથી જમીન સંબંધિત વિવિધ ટેકનિકલ અને વહીવટી પ્રક્રિયાઓના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોનો દાવો છે કે જંગલ જમીન પરના તેમના હક અંગેની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને ખેતી કરતા અટકાવવામાં આવી રહ્યા છે.

ખેડૂતો તરફથી જમીનમાંથી ગેરકાયદે રીતે બેદખલ કરવાનો પ્રયાસ થતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. અગાઉ પણ સાગબારા વિસ્તારના ખેડૂતો દ્વારા વન અધિકાર કાયદા હેઠળ કરવામાં આવેલા દાવાઓના નિકાલની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું.

‘કાયદો હાથમાં લઈને આદિવાસીઓને હટાવી શકાય નહીં’

સુનાવણી દરમિયાન અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી કે આદિવાસીઓને જમીનમાંથી હટાવવા માટે આદિવાસી જંગલ વિભાગના અધિકારીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, એક આદિવાસી સમુદાયને બીજા આદિવાસી સમુદાય સામે ઊભો કરવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ પણ અરજદારો તરફથી કરવામાં આવ્યો હતો. અરજદારોએ કોર્ટ સમક્ષ એવી પણ રજૂઆત કરી કે ડેપ્યુટી કલેક્ટર, જેઓ જંગલ જમીન સંબંધિત સમિતિના ચેરમેન છે, તેમણે પણ સ્પષ્ટ કર્યું છે કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને આદિવાસીઓને તેમની જમીન પરથી હટાવી શકાય નહીં.

સરકારના બેવડા વલણ પર હાઈકોર્ટનો સવાલ

સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના વલણ અંગે સવાલો ઉઠાવ્યા હતા. હાઈકોર્ટે નોંધ્યું કે એક તરફ સરકાર સુપ્રીમ કોર્ટ સમક્ષ આદિવાસીઓને જમીન ખેડવા દેવાની વાત કરે છે, જ્યારે બીજી તરફ અહીં તેમને ખેતી કરતા રોકવામાં આવી રહ્યા હોવાની રજૂઆત સામે આવી રહી છે. હાઈકોર્ટે સરકારને આ મામલે સ્પષ્ટતા કરવા પણ ટકોર કરી હતી. હાઈકોર્ટ સમક્ષ આદિવાસી ખેડૂતોને હટાવવાની પ્રક્રિયા કાયદેસર છે કે નહીં તે મુદ્દે પણ ચર્ચા થઈ હતી.

આદિવાસી ખેડૂતોને બેદખલ કરવા પર હાલ રોક

સુનાવણી બાદ હાઈકોર્ટ દ્વારા આદિવાસી ખેડૂતોને બેદખલ કરવાની કાર્યવાહી પર રોક લગાવી હાલની સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું અરજદારો તરફથી જણાવાયું છે. વર્ષોથી આ મામલે મુશ્કેલીનો સામનો કરી રહેલા આદિવાસી ખેડૂતોને વધુ હેરાન ન કરવા પણ કોર્ટે ટકોર કરી હતી. રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ સમગ્ર મામલે વિગતવાર હુકમ રજૂ કરવાની વાત કરી છે. હવે આગામી સુનાવણીમાં સરકાર તરફથી રજૂ થનારા જવાબ અને દસ્તાવેજો પર નજર રહેશે.

ઓક્ટોબરમાં ફરી સુનાવણી

સાગબારા સહિતના આદિવાસી ખેડૂતોના જમીન અધિકારનો મામલો હાલ હાઈકોર્ટમાં વિચારાધીન છે. તાજેતરના અહેવાલ મુજબ આગામી સુનાવણી 5 ઓક્ટોબર, 2026ના રોજ હાથ ધરાવાની છે. આ મામલો માત્ર જમીન વિવાદ પૂરતો સીમિત નથી, પરંતુ વન અધિકાર કાયદા હેઠળ આદિવાસી ખેડૂતોના દાવા, પરંપરાગત ખેતી અને વહીવટી પ્રક્રિયા સાથે પણ જોડાયેલો છે. તેથી આગામી સુનાવણીમાં કોર્ટનું વલણ અને સરકારનો જવાબ મહત્વનો રહેશે.

Breaking News : મહેસાણાની નીલકંઠ કોલેજ હોસ્ટેલની મેસમાં ABVPનું સરપ્રાઈઝ ચેકિંગ, હલકી ગુણવત્તાની સામગ્રી ઝડપાઈ, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.