
જ્યારે પણ કોઈ નવો કાયદો, વિધેયક કે વહીવટી નિર્ણયો સામે વકીલ મંડળો દ્વારા અદાલતોના દરવાજા બંધ કરીને કામગીરીથી અળગા રહેવાની જાહેરાત કરવામાં આવે છે, ત્યારે ન્યાયતંત્ર અને સામાન્ય જનતા વચ્ચે મોટો વિવાદ ઊભો થાય છે. આવા સમયે સામાન્ય નાગરિકો અને પક્ષકારોના મનમાં એક મોટો પ્રશ્ન જાગે છે કે શું દેશમાં વકીલોને હડતાળ પર જવાનો કે કોર્ટ કાર્યવાહી સ્થગિત કરવાનો કાયદેસરનો અધિકાર છે?
કાનૂની અને બંધારણીય જોગવાઈઓ અનુસાર, ભારતમાં વકીલોને હડતાળ કરવાનો કે કોર્ટ કામગીરીનો સામૂહિક બહિષ્કાર કરવાનો કોઈ મૂળભૂત કે કાયદેસર અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક ચુકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે વકીલોની હડતાળ ગેરકાયદેસર છે.
વકીલોની હડતાળ સંદર્ભે સર્વોચ્ચ અદાલતનો સૌથી મહત્વનો ચુકાદો વર્ષ 2002માં ‘એક્સ-કેપ્ટન હરીશ ઉપ્પલ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા’ કેસમાં આવ્યો હતો. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા:
હડતાળ ગેરકાયદેસર અને ગેરવર્તણૂક: વકીલો દ્વારા કરવામાં આવતી હડતાળ કે કોર્ટ બહિષ્કાર ગેરકાયદેસર છે અને તે ‘એડવોકેટ્સ એક્ટ, 1961’ હેઠળ વ્યવસાયિક ગેરવર્તણૂક (Professional Misconduct) ગણાય છે.
અસીલ પ્રત્યેની જવાબદારી: જો સ્થાનિક બાર એસોસિએશન હડતાળનું એલાન આપે, તોપણ વકીલે કોર્ટમાં હાજર રહીને પોતાના અસીલ (પક્ષકાર) નો કેસ લડવો પડે છે. કોર્ટમાં ગેરહાજર રહેવું એ અસીલ સાથે વિશ્વાસઘાત સમાન છે.
અદાલતની કામગીરી ચાલુ રાખવાની સત્તા: હડતાળના દિવસે પણ ન્યાયાધીશોએ કામગીરી ચાલુ રાખવી જોઈએ. જો વકીલ હાજર ન રહે તો કોર્ટ કેસનો નિકાલ કરવા કે સુનાવણી આગળ વધારવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિત નવા ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ સામે સુરતના કાનૂની આલમમાં ઉગ્ર વિરોધનો વંટોળ ઊભો થયો છે. સુરત જિલ્લા વકીલ મંડળ (બાર એસોસિએશન) દ્વારા નવા ભાડા કાયદાની જોગવાઈઓ સામે સખત વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને આ વિધેયક વકીલ આલમ તેમજ સામાન્ય જનતાના હિતોને મોટું નુકસાન પહોંચાડનારું હોવાની ગંભીર ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
સુરત બાર એસોસિએશને આ સંદર્ભે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને વિગતવાર પત્ર પાઠવીને પોતાની નારાજગી અને વાંધાઓ સત્તાવાર રીતે રજૂ કર્યા છે. પસાર કરાયેલા ઠરાવ મુજબ સુરતના તમામ વકીલો 30 સપ્ટેમ્બર અને 3 ઓક્ટોબર સહિત કુલ ત્રણ દિવસ સુધી કોઈપણ પ્રકારની ન્યાયિક કે અદાલતી કાર્યવાહીમાં ભાગ લેશે નહીં અને કોર્ટથી સંપૂર્ણ દૂર રહેશે. વકીલોની આ હડતાળના કારણે હજારો કેસોનું બોર્ડ કામકાજ ઠપ થઈ જવાની અને પક્ષકારો મુશ્કેલીમાં મુકાવાની શક્યતા સેવાઈ રહી છે.