
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગે આગામી 3 કલાક ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 3 કલાક ગાજવીજ સાથે 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન ફૂંકાય તેવી આગાહી કરી છે. ગુજરાતના 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. બનાસકાંઠાના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠાના વડગામમાં 24 કલાકમાં 8.6 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે મહેસાણાના વિજાપુરમાં 6.3 ઈંચ વરસાદ ખાબક્યો છે.
પાલનપુરમાં 6.1 ઈંચ, દાંતીવાડામાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તાપીના વાલોડમાં 5.63 ઈંચ, સુરતના ઉમરપાડામાં 5.31 ઈંચ વરસાદ ખાબક્યો છે. મળતી માહિતી અનુસાર રાજ્યના 162 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં 25 તાલુકામાં 24 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.
બીજી તરફ બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. પાલનપુર પાણી-પાણી થયું છે. પાલનપુરની આદર્શ હાઇસ્કૂલમાં કેડ સમા પાણી ભરાયા છે. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્કૂલ અને રોડ પર કમર સુધી પાણી ભરાયા છે. વિદ્યાર્થીઓ શાળા પણ જઈ શકે તેમ નથી. જેથી શાળા બંધ રાખવાની ફરજ પડી છે.
Published On - 10:48 am, Thu, 3 July 25