
અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ એર ઈન્ડિયા ફ્લાઇટ AI-171ના દુર્ઘટના બાદ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની વિવિધ ફ્લાઇટ્સમાં ટેક્નિકલ ખામીઓ સામે આવી છે. હવે બેંકકોક-સુરતની એક ફ્લાઇટમાં ખામી સર્જાયાનું સામે આવ્યુ છે. પ્લેન ક્રેશની ઘટનાના બીજા જ દિવસે આ બનાવ બન્યો હોવાની માહિતી સામે આવી છે.
12 જૂન 2025ના રોજ અમદાવાદમાં AI-171 ફલાઇટ જે લંડન જતી હતી, અમદાવાદ એરપોર્ટથી ટેકઑફ કર્યા પછી થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ ગઈ હતી, જેમાં 241 લોકોના મોત થયા હતા અને એકમાત્ર વિશ્વકુમાર રામેશ બચી ગયા હતા. આ ઘટના પછી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક પછી એક ખામીના સમાચાર સામે આવ્યા છે. સવારે રાજકોટના હીરાસર એરપોર્ટ પર યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. દિલ્લીથી રાજકોટ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામી હોવાનું સામે આવ્યું હતુ. એર ઈન્ડીયાની ફ્લાઈટ ત્રીજા પ્રયાસમાં લેન્ડ થઈ શકી હતી. જે પછી હવે સુરતમાં એક એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી હોવાનું સામે આવ્યુ છે.
સુરતમાં એર ઇન્ડિયા એક્સપ્રેસની બેંગકોક-સુરતની ફ્લાઈટમાં થ્રસ્ટની સમસ્યા સર્જાઈ હતી. પ્રારંભિક તપાસમાં એન્જિન થ્રસ્ટ, વિંગ ફ્લેપ્સ અને લેન્ડિંગ ગિયર સંબંધિત ખામીઓની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વિમાનના બ્લેક બોક્સમાંથી મળેલા ડેટા અને સીસીટીવી ફૂટેજના આધારે, વિમાનના એન્જિનના પ્રદર્શન અને ફ્લેપ સેટિંગ્સની તપાસ કરવામાં આવી રહી છે.
તો ગઇકાલે જયપુરથી બેંગલુરુ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX 2749 શુક્રવારે સવારે 11:30 વાગ્યે જયપુરથી બેંગલુરુ જતી હતી. પરંતુ વિમાન ઉડાન ભરી શક્યું હતુ નહીં.
આ તમામ ઘટનાઓએ એરલાઇનના ટેક્નિકલ મેન્ટેનન્સ અને સલામતી પ્રોટોકોલ્સ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. વિશેષજ્ઞોનું માનવું છે કે AI-171ની દુર્ઘટનામાં પાઇલટની ભૂલ, એન્જિન ફેઇલ્યોર અથવા ફ્લેપ સેટિંગ્સમાં ખામી હોઈ શકે છે.તપાસ એજન્સીઓએ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની તમામ ફ્લાઇટ્સની સલામતીની સમીક્ષા શરૂ કરી છે, અને આગામી મહિનાઓમાં વધુ વિગતો બહાર આવવાની સંભાવના છે.
Published On - 9:39 am, Sat, 14 June 25