ગુજરાત ATSને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. અમદાવાદના જુહાપુરાના એક મકાનમાંથી નકલી નોટો બનાવવાનું કારખાનું ગુજરાત ATSએ ઝડપી લીધુ છે. નકલી નોટોના જથ્થા સાથે ચાર આરોપીની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. ભારતીય ચલણની રૂપિયા 500ના દરની કુલ 48 હજાર નકલી નોટો મળી આવી છે.
ગુજરાત ATSને એક માહિતી મળી હતી કે અમદાવાદના જુહાપુરામાં ઘણા લોકો નકલી નોટો બનાવી રહ્યા છે. નકલી નોટો બનાવવા માટે પ્રિન્ટિંગ મશીન અને કલર સહિતનો ઉપયોગ અહીં કરતા હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે ગુજરાત ATSએ જુહાપુરામાં રેડ પાડી હતી. જુહાપુરાના એક મકાનમાંથી ચાર આરોપીઓને ATSએ ઝડપી લીધા છે. રેડ દરમિયાન ગુજરાત ATSને 500ના દરની કુલ 48 હજાર જેટલી નોટ મળી આવી હતી.
આરોપીઓએ નકલી નોટો બનાવવા માટે જે અલગ અલગ સાધન વસાવ્યા હતા તે પણ કબ્જે કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી આરોપીઓ નકલી નોટ બનાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. જો કે અત્યાર સુધીમાં આ આરોપીઓએ નકલી નોટો બજારમાં કોઇ જગ્યાએ વેચી છે કે કેમ તે દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે.
ગુજરાત ATS દ્વારા ધરપકડ બાદ આરોપીઓની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે આ નકલી નોટ બનાવવાની સામે આ આરોપીઓ 60 ટકા જેટલુ પેમેન્ટ મેળવતા હતા. હાલ તો આ આરોપીઓ સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલુ છે અને આ નેટવર્ક અન્ય કેટલા સ્થળે ફેલાયેલુ છે. અન્ય આરોપીઓ ક્યા છે તે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત ATSને નકલી નોટોના કૌભાંડ મામલે ખૂબ મોટી સફળતા મળી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 3:50 pm, Mon, 10 April 23