
રાજ્ય સરકારે નવરચિત નવ મહાનગરપાલિકાઓનું સીમાંકન જાહેર કર્યું છે. નવી ઘોષિત થયેલ તમામ 9 મનપામાં 13 વોર્ડ અને 52 બેઠકોનું ગઠન કરવામાં આવ્યું છે. શહેરોના વિકાસ અને વસ્તીજના વિસ્તારને ધ્યાનમાં રાખી આસપાસના વિસ્તારોને સમાવિષ્ટ કરીને સીમાંકન નક્કી કરાયું છે.
જ્યારે નવા શહેરો નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વાપી મહાનગરપાલિકા તરીકે ઘોષિત થયા છે, ત્યારે નડિયાદ, મહેસાણા, આણંદ, ગાંધીધામ અને મોરબીને પણ મનપા તરીકે રજૂ કરીને તેનું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે.
આ નવી રચનાના પગલે રાજ્યમાં નવેમ્બર અથવા ડિસેમ્બર 2025માં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની સંભાવના છે. જૂની 6 અને નવી 9 મળી કુલ 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાશે, જેમાં લાખો મતદારો પોતાનો પ્રતિનિધિ પસંદ કરશે. રાજકીય દ્રષ્ટિએ મહત્વ ધરાવતી મનપા ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે.
Gujarat Declares Wards for 9 New Municipal Corporations | Gujarat | TV9Gujarati#GujaratNews #MunicipalCorporation #UrbanDevelopment #Election2025 #BreakingNews #IndiaPolitics #CityPlanning #Gujarat #TV9Gujarati pic.twitter.com/uXl5F9fM15
— Tv9 Gujarati (@tv9gujarati) July 16, 2025
ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી કુલ – ૦8 મહાનગરપાલિકાઓ કાર્યરત છે. આ પૈકી જુનાગઢ મહાનગરપાલિકાની વર્ષ 2002માં અને ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ 2010માં રચના કરવામાં આવેલી છે.
ગાંધીધામ નગરપાલિકા તેમજ કિડાણા, ગળપાદર, અંતરજાળ, શિણાય, મેઘપર-બોરીચી અને મેઘપર-કુંભારડી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને ગાંધીધામ મહાનગરપાલિકા બનશે.
મોરબી નગરપાલિકા તેમજ શક્તસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા વનાળીયા), મહેન્દ્રનગર (ઈન્દિરાનગર) અને માધાપર/વજેપર ઓજી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને મોરબી મહાનગરપાલિકા બનશે.
વાપી નગરપાલિકા તેમજ બલિઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામધા, ચંડોર, મોરાઈ, વટાર, કુંતા ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને વાપી મહાનગરપાલિકા બનશે.
આણંદ, વલ્લભવિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા તેમજ મોગરી, જીટોડીયા, ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને આણંદ મહાનગરપાલિકા બનશે.
મહેસાણા નગરપાલિકા તેમજ ફતેપુરા, રામોસણા, રામોસણા N.A. વિસ્તાર, દેદીયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, હેડુવા હનુમંત, તળેટી અને લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર, સખપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારો સમાવિષ્ટ થઇને મહેસાણા મહાનગરપાલિકા બનશે.
સુરેન્દ્રનગર/ દૂધરેજ/ વઢવાણ નગરપાલિકા તેમજ ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનશે.
પોરબંદર/ છાયા નગરપાલિકા તેમજ વનાણા (વિરપુર), દિગ્વીજયગઢ, રતનપર અને ઝાવર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને પોરબંદર મહાનગરપાલિકા બનશે.
નડિયાદ નગરપાલિકા તેમજ યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમલા, માંજીપુરા, ડભાણ, બીલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નડિયાદ મહાનગરપાલિકા બનશે.