Vadodara : વડોદરામાં કરજણના કંબોલા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) અંતર્ગત બ્રિજ બનાવવાનું કામ ચાલે છે. જો કે બુલેટ ટ્રેનની કામગીરી અંતર્ગત એક ક્રેન અચાનક તૂટી પડી હતી. ક્રેન તૂટતા એક શ્રમિકનું મોત થયુ છે. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.
વડોદરાના કરજણના કંબોલા નજીક ચાલી રહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક દુર્ઘટના સર્જાઇ છે. આ સ્થળ પર કેટલાક શ્રમિકો કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક ક્રેન તૂટી પડી હતી. જેના કારણે શ્રમિકોને ઇજા પહોંચી હતી. જે પૈકી એક શ્રમિકનું મોત થયુ છે. જ્યારે ત્રણ શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તો અન્ય કેટલાક શ્રમિક પણ ક્રેન નીચે દટાયા હોવાની શક્યતા જોવાઇ રહી છે.
ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને રાહત અને બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. કરજણ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે. તો ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે આ સમગ્ર દુર્ઘટના કેવી રીતે બની તે અંગેની કોઇ જાણકારી હાલ સામે આવી નથી.
આજે સવારે શ્રમજીવીઓ ક્રેઇન દ્વારા સામાન ચઢાવવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન ક્રેઈન ધડામ કરતી તૂટતા કામ કરી રહેલા શ્રમજીવીઓ દબાઇ ગયા હતા. આ ઘટના બનતા અન્ય ઇજનેરો અને શ્રમજીવીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.
આ ઘટનાની જાણ થતાં કરજણ SDM સહિત અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્ય ઘટના સ્થળે દોડી ગયા હતા. આ સાથે ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને કામગીરી શરૂ કરી હતી. આ બનાવને પગલે કંબોલા ગામ સહિત આસપાસના ગામ લોકો સ્થળ પર દોડી ગયા હતા. સાથે કરજણ પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. અને ક્રેઈન કેવી રીતે તૂટી તે અંગેની પ્રાથમિક માહિતી મેળવી કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરાના બનાવને લઈને બુલેટ ટ્રેન વિભાગે સતાવાર જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે વડોદરા નજીક કરજણ ખાતે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર નિર્માણ સ્થળના MAHSR C-4 પેકેજમાં 14 કિમી લાંબી ગેન્ટ્રી લોન્ચિંગ ગર્ડર સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી, તેને વડોદરા નજીક તેના નવા લોન્ચિંગ સ્થાન પર ખેંચવામાં આવી રહ્યું હતું. તે સમયે લૉન્ચિંગ ગેન્ટ્રીને ગર્ડર ટ્રાન્સપોર્ટરની ટોચ પર લૉન્ચિંગ પોઝિશન પર ખસેડવામાં આવી હતી અને ગર્ડર ટ્રાન્સપોર્ટર માંથી સ્વ – અનલોડ કરતી વખતે ફ્રન્ટ સપોર્ટ (FS) નો વ્હીલ બેઝ જામ થઈ ગયો હતો. અને લોન્ચિંગ ગેન્ટ્રીનો એક ભાગ વાંકો થયો હતો.
વ્હીલ બેઝ તપાસવાનો પ્રયાસ કરતી વખતે એક કામદાર ફસાઈ ગયો અને મૃત્યુ પામ્યો. તો નાની ઈજાઓ સાથે અન્ય છ કામદારોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે ઘટનામાં NHSRCLના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી કામ સંભાળ્યું હતું.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:43 am, Thu, 3 August 23