
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના ફરી પાટણમાં બની છે. પાટણમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થિની પર સહપાઠી વિદ્યાર્થીઓએ અમાનુષી વર્તન કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ધોરણ-8ની વિદ્યાર્થિનીને લાઈટર વડે ડામ આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બાદમાં કટર વડે વિદ્યાર્થિનીના હાથ પર ઘા માર્યાની ફરિયાદ કરવામાં આવી છે. આ સાથે અભ્યાસ કરતા 3 સહ વિદ્યાર્થીના હાથ પર ઘા માર્યાની ફરિયાદ કરવામાં આવી છે.
છેડતી બાદ વિદ્યાર્થિનીને લાગી આવતા આપઘાતનો પ્રયાસ કર્યો છે. ફિનાઈલ ગટગટાવતા વિદ્યાર્થિનીને સારવાર અર્થે ખસેડાઈ છે. વિદ્યાર્થિનીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે વિદ્યાર્થિનીના પિતાએ શાળા સામે ગંભીર આરોપ લગાવ્યા છે. વિદ્યાર્થિનીના પિતાને શિક્ષક અને આચાર્યએ ઉડાઉ જવાબ આપ્યા હોવાનું જણાવ્યું છે. શિક્ષકોએ કહ્યું અમે ભણાવવામાં ધ્યાન આપીએ છીએ. વિદ્યાર્થિનીના પિતાએ આ સાથે જણાવ્યું કે આ સાથે જ શિક્ષકોએ કહ્યું, કે છોકરાઓ શું કરે તેમાં ધ્યાન નથી આપતા. શિક્ષકોએ દિકરીની મદદ ન કરી હોવાનું વિદ્યાર્થિનીના પિતાએ કહ્યું છે. તેમજ CCTV ફૂટેજ માગ્યા તો આચાર્યએ કહ્યું પાસવર્ડ યાદ નથી. તેવું જણાવ્યું છે.
આ સમગ્ર મામલે હવે વિદ્યાર્થિનીનો પરિવાર ન્યાયની માગ કરી રહ્યો છે. આ સાથે શાળા વિરૂદ્ધ કાર્યવાહીની પણ માગ કરી છે. તો આગેવાનોએ કાર્યવાહી કરવા 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
મહત્વનું છે કે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના ફરી પાટણમાં બનતા શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે. સરસ્વતી તાલુકાના ચોરમાપુરા સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીને તેના ક્લાસનો જ એક વિદ્યાર્થી વાત કરવા બાબતે હેરાન કરતો હતો. મંગળવારે બે વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને પકડી રાખી હતી, જ્યારે હેરાન કરનાર વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીના હાથમાં બ્લેડથી ચેકા મારી લાઈટરથી ડામ આપ્યા હતા.
આ ઘટનાથી હેબતાઈ ગયેલી વિદ્યાર્થિનીએ ઘરે જઈ આપઘાતનો પ્રયાસ કર્યો. તેણે ફિનાઈલ ગટગટાવતા તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈ શાળા સત્તાધીશોની સાથે સાથે વિદ્યાર્થીઓની ક્રૂર માનસિકતાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. હાલ તો આ મામલે વિદ્યાર્થિનીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Published On - 2:45 pm, Fri, 19 September 25