Breaking News : ગુજરાતમાં AAPને મોટો ઝટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીના બંન્ને પદ પરથી આપ્યું રાજીનામુ

બોટાદથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજે આમ આદમી પાર્ટીના વિધાનસભા દંડક અને રાષ્ટ્રીય જોડાણ સચિવ સહિતના તમામ પદોથી રાજીનામું આપ્યાની જાહેરાત કરી છે.

Breaking News : ગુજરાતમાં AAPને મોટો ઝટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીના બંન્ને પદ પરથી આપ્યું રાજીનામુ
| Edited By: | Updated on: Jun 26, 2025 | 1:16 PM

બોટાદથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજે આમ આદમી પાર્ટીના વિધાનસભા દંડક અને રાષ્ટ્રીય જોડાણ સચિવ સહિતના તમામ પદોથી રાજીનામું આપ્યાની જાહેરાત કરી છે. તેમણે જાહેર કર્યું છે કે પછાત સમાજને ન્યાય મળતો નથી અને માત્ર મત માટે તેમનો ઉપયોગ થાય છે.

2020 પહેલા ભાજપમાં કાર્યરત રહેલા અને ત્યારબાદ આપમાં જોડાયેલા મકવાણાએ જણાવ્યું કે, તેઓ છેલ્લા પાંચ વર્ષથી વિવિધ પદો પર રહી સેવા આપી છે. જોકે જ્યારે પછાત સમાજના મુદ્દાઓની વાત આવે ત્યારે દરેક પક્ષ—પાછું પાનું ફેરવે છે તેવા આક્ષેપ કર્યા છે.

ઉમેશ મકવાણાએ કહ્યું, “ગુજરાતના રાજકારણમાં વર્ષોથી જાતિવાદી વલણ વઘતું જાય છે. કોઈ પણ પાર્ટી પછાત સમાજમાંથી મુખ્યમંત્રી કે પક્ષ પ્રમુખ બનાવવા તૈયાર નથી.” આ સાથે જ તેઓએ દાવો કર્યો કે, “AAPમાં સૌથી વધુ પછાત સમાજના લોકો છે, છતાં તેમને આગેવાનીના પદો અપાતા નથી. જ્યારે હોદ્દાની વાત આવે ત્યારે સુવર્ણ સમાજને જ પ્રથમતા આપવામાં આવે છે.”

ઉમેશ મકવાણાએ પાર્ટીના બંન્ને પદ પરથી આપ્યું રાજીનામુ

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપ્યું નથી. પરંતુ જણાવ્યું કે આગામી સમયમાં પોતાનાં કાર્યકરો અને સમાજના લોકો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેશે. તેમણે ખાસ કરીને કોળી અને પછાત સમાજના મુદ્દા ઉઠાવતા જણાવ્યું કે દરેક પાર્ટી ચૂંટણી સમયે તો સમર્થન માગે છે પણ પછી કામ કરતી નથી. તેમના જણાવ્યા પ્રમાણે, “હું આજથી વિધાનસભા દંડક અને રાષ્ટ્રીય જોડાણ સચિવ તરીકે રાજીનામું આપું છું. આમ આદમી પાર્ટી તરફથી મને રાજીનામું આપવા કહેવામાં આવ્યું નથી. હું મારા મનથી સમાજના હિત માટે રાજીનામું આપું છું.”

તેમણે વધુમાં ભાજપ પર પણ આરોપ મૂકતા જણાવ્યું કે કેટલાક યુ ટ્યુબ ચેનલોને પૈસા આપી તેમના વિરોધમાં ખોટા સમાચાર ચલાવાયા હતા. અંતે ઉમેશ મકવાણાએ કહ્યું કે, “હું પાર્ટીના કાર્યકર તરીકે હવે પણ રહીશ, પરંતુ આગામી રાજકીય પગલાં માટે પછાત સમાજના પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને નિર્ણય લઉં છું.”

 

બીજી તરફ ઉમેશ મકવાણા પાર્ટી વિરોધી થવા બદલ આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  આ અંગે ઈસુદાન ગઢવીએ સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી આપી છે. આ સાથે જ ઈસુદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે ઉમેશ મકવાણાને પાર્ટીમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

( વીથ ઈનપુટ – કિંજલ મિશ્રા, સચિન પાટીલ, હિંમાશું પટેલ ) 

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 12:46 pm, Thu, 26 June 25