ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, અજાણ્યા વ્યક્તિ દ્વારા ઈમેઈલ મારફતે આ ધમકી આપવામાં આવી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી.
ધમકી મળ્યા બાદ વિધાનસભા પરિસરમાં સુરક્ષા કડક બનાવવામાં આવી હતી અને દરેક પ્રવેશદ્વારે ચેકિંગ વધારવામાં આવ્યું હતું. બોમ્બ સ્ક્વોડ દ્વારા સમગ્ર વિસ્તારની તલાશી લેવામાં આવી રહી છે.
આ ઘટનાના કારણે વિધાનસભાનું સત્ર નક્કી કરેલા સમય 9 વાગ્યે શરૂ થઈ શક્યું ન હતું. સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ જ સત્ર શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી, છતાં સંપૂર્ણ સાવચેતી રાખવામાં આવી રહી છે.
પોલીસ અને સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા ધમકી મોકલનાર વ્યક્તિને શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના બાદ રાજ્યમાં સુરક્ષાને લઈને વધુ ચિંતા ઉભી થઈ છે.
Published On - 9:34 am, Wed, 18 March 26