વડોદરાની બરોડા ડેરીના 1 હજાર કરોડનો વહીવટ સતીષ નિશાળીયા કરશે. પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ એવા સતીષ નિશાળીયાની બરોડા ડેરીના પ્રમુખ તરીકે સર્વાનુંમતે વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે જી.બી.સોલંકીના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારે વિવાદ અને રાજકીય હુંસાતુંસી વચ્ચે આખરે બરોડા ડેરીને નવા પ્રમુખ-ઉપપ્રમુખ મળી ચૂક્યા છે. પ્રમુખ પદે વરણી થયા બાદ સતીષ નિશાળીયાએ પશુપાલકોના હિતમાં કાર્ય કરવાની વાત કરી. આપને જણાવી દઇએ 2022ની ચૂંટણીમાં અક્ષય પટેલને ટિકિટ મળતા નિશાળીયા નારાજ થયા હતા.
આ પણ વાંચો : ડાકોર મંદિરે ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી, રણછોડરાયજીને વિશેષ શણગાર કરાયો
તો ઉપપ્રમુખ જી.બી.સોલંકીએ દાવો કર્યો કે પ્રમુખ-ઉપપ્રમુખ પદના નામો નક્કી જ હતા, આજે માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે થોડા મહિના અગાઉ જી.બી.સોલંકી સામે મોરચો માંડ્યો હતો અને ડેરીમાં ભરતી કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. ભારે વિવાદ સર્જાતા જી.બી.સોલંકીએ પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું.
ઉલ્લેખનીય છે કે ગત 26 જૂને બરોડા ડેરીની ચૂંટણી યોજવામાં આવી હતી. જોકે ચૂંટણી અધિકારી ગેરહાજર રહેતા ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે આશા રાખીએ કે સહકારી સંસ્થા એવી બરોડા ડેરી રાજનીતિનો અખાડો ઓછો બને અને પશુપાલકોના હિતને અગ્રિમતા મળે.
Published On - 3:19 pm, Mon, 3 July 23