
અમદાવાદની લાઇફલાઇન ગણાતી ગુજરાત મેટ્રો રેલ સેવામાં વસ્ત્રાલથી થલતેજ તરફના રૂટ પર ટેક્નિકલ ખામીની કારણે મેટ્રો રેલ સેવા બંધ કરવામાં આવી છે. થલતેજથી વસ્ત્રાલ અને વસ્ત્રાલથી થલતેજ તરફ જતી મેટ્રો ટ્રેન સેવા સવારેથી બંધ છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા માઈક દ્વારા મુસાફરોને જાહેરાત આપવામાં આવી છે કે ટેક્નિકલ ખામીના કારણે થલતેજ ગામ તરફનો રૂટ હાલ બંધ રહેશે. જોકે, વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક અને એપરલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધીની મેટ્રો ટ્રેન સેવા ચાલુ રહેશે.
મેટ્રો ટ્રેન બંધ થવાના કારણે વસ્ત્રાલથી થલતેજ એસ.જી. હાઇવે અને શહેરના કોટ વિસ્તાર સુધી નોકરી-ધંધે જતાં લોકો સવારથી જ ખૂબ જ હેરાન થયા હતા. પૂર્વ વિસ્તારથી પશ્ચિમ તરફ નોકરી પર જનાર લોકોને મેટ્રો ટ્રેનના બદલે બસ, રિક્ષા અથવા ખાનગી વાહન દ્વારા મુસાફરી કરવી પડી હતી.
સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે, “હું દરરોજ સવારે શીલજ ગામ જાઉં છું. તેના માટે હું રબારી કોલોનીથી મેટ્રો લઈ થલતેજ જાઉં છું અને ત્યાંથી વાહન દ્વારા શીલજ પહોંચું છું. આજે સવારે જ્યારે હું રબારી કોલોની મેટ્રો સ્ટેશન પર પહોંચ્યો ત્યારે ત્યાં પહેલેથી જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નોકરીયાત લોકો ભેગા થઈ ગયેલા હતા. સવારે 6:30 વાગ્યાથી થલતેજ તરફ જતો મેટ્રો રૂટ બંધ હતો.
માઇક દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ટેક્નિકલ ફોલ્ટને કારણે વસ્ત્રાલથી થલતેજ જતી મેટ્રો ટ્રેન સેવા સ્થગિત કરવામાં આવી છે.”
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના PROએ જણાવ્યું હતું કે વહેલી સવારથી મેટ્રો ટ્રેનનો રૂટ બંધ હોવા છતાં, મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી કોઈ પણ પ્રકારની પહેલેથી જાહેર સૂચના આપવામાં આવી નહોતી. પરિણામે લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો.
Published On - 11:40 am, Thu, 22 May 25