Ahmedabad Breaking: Uber કેન્સલ કરો, Bharat Taxi થી બુક કરો’- TV9 ના રિયાલિટી ચેકમાં કેબ ચાલકોની નવી મનમાનીનો પર્દાફાશ

અમદાવાદમાં ઓનલાઇન કેબ બુક કરાવો અને ડ્રાઇવર આવીને સીધું કહે કે ‘ઉબર કેન્સલ કરી દો!’ TV9 ના કર્મચારીએ ગોતાથી કેબ બુક કરાવી ત્યારે તેની સાથે શું બન્યું? ડ્રાઇવરો કંપનીઓ પર કમિશનના નામે શોષણનો કેવો મોટો આરોપ લગાવી રહ્યા છે અને એરપોર્ટ પર મુસાફરોનો અનુભવ કેમ અલગ પડ્યો?

Ahmedabad Breaking: Uber કેન્સલ કરો, Bharat Taxi થી બુક કરો’- TV9 ના રિયાલિટી ચેકમાં કેબ ચાલકોની નવી મનમાનીનો પર્દાફાશ
| Edited By: | Updated on: Sep 23, 2026 | 6:33 PM

અમદાવાદ શહેરમાં ઓનલાઇન ટ્રાન્સપોર્ટેશન એપ્સને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ગંભીર વિવાદ ચાલી રહ્યો છે. મુસાફરોનો આક્ષેપ છે કે જાણીતી એપ્સથી રાઈડ બુક કર્યા બાદ કેબ ચાલકો તેને કેન્સલ કરવા માટે દબાણ કરે છે. આ વાયરલ વીડિયો અને ફરિયાદોની સત્યતા ચકાસવા માટે TV9 ની ટીમે અમદાવાદમાં ગ્રાઉન્ડ રિયાલિટી ચેક હાથ ધર્યું હતું, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

TV9 ના કર્મચારી સાથે જ બન્યો કડવો અનુભવ

રિયાલિટી ચેક દરમિયાન TV9 ના કર્મચારીએ ગોતાથી પોતાની ઓફિસ જવા માટે ‘ઉબર’ (Uber) એપ મારફતે કેબ બુક કરાવી હતી. કેબ ચાલકે બુકિંગ સ્વીકાર્યા બાદ કર્મચારીને મેસેજ મોકલીને ‘ભારત ટેક્સી’ એપથી બુકિંગ કરવાનું કહ્યું હતું. પીકઅપ લોકેશન પર પહોંચ્યા પછી પણ ચાલકે સીધી માંગણી કરી કે, “તમે ઉબરની રાઈડ કેન્સલ કરી દો અને ભારત ટેક્સી પરથી બુક કરો.” જોકે, ભારત ટેક્સી પર ઉબર કરતાં ₹100 જેટલું વધુ ભાડું દર્શાવતું હોવાથી TV9 ના કર્મચારીએ સ્પષ્ટ અસંમતિ દર્શાવી હતી. આખરે કેબ ચાલકે નવો પેંતરો અજમાવ્યો અને ઓફર કરી કે, “તમે એપમાં રાઈડ કેન્સલ કરી દો, હું તમને ઉબરના જ ભાવમાં ઓફિસ ઉતારી દઈશ.”

ડ્રાઇવરોનો કંપનીઓ સામે મોરચો: કમિશનથી શોષણનો આક્ષેપ

  • TV9 ની ટીમે જ્યારે કેબ ચાલકો સાથે આ અંગે સીધી વાતચીત કરી ત્યારે ઓનલાઇન એપ કંપનીઓ સામેનો તેમનો આક્રોશ સામે આવ્યો હતો. કેબ ચાલકોનું કહેવું છે કે ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપનીઓ કમિશનના નામે તેમનું ખુલ્લેઆમ શોષણ કરે છે.
  • એક ચાલકે જણાવ્યું કે, “ગ્રાહક પાસેથી જો ₹260 ભાડું લેવાય, તો અમને માત્ર ₹210 કે ₹220 જ મળે છે. કંપની વચ્ચેથી ₹40 થી ₹50 કમિશન પેટે કાપી લે છે. ઉપરાંત અમારી પાસેથી ₹1,000 નું સબ્સ્ક્રિપ્શન પણ કરાવે છે. આમ બંને તરફથી પૈસા કાપવામાં આવે છે.”
  • ડ્રાઇવરોનો દાવો છે કે ભારત ટેક્સીમાં ગ્રાહક જે પૈસા ચૂકવે છે તે પૂરેપૂરા ડ્રાઇવરના ખાતામાં જાય છે, જેના કારણે તેઓ ગ્રાહકોને ભારત ટેક્સી તરફ વાળવા માટે મજબૂર બન્યા છે.

રિક્ષા ચાલકોના આક્ષેપો અને મીટરનો કાયમી પ્રશ્ન

બીજી તરફ, સ્થાનિક રિક્ષા ચાલકોનું કહેવું છે કે ઓનલાઇન એપ્સના કારણે ગ્રાહકો પણ છેતરાઈ રહ્યા છે. રિક્ષા ચાલકોના જણાવ્યા મુજબ, સરકારી ધોરણ પ્રમાણે મિનિમમ ભાડું ઓછું હોવા છતાં ખાનગી એપ્સમાં ₹45 થી ₹60 સુધી વસૂલાય છે. જો મુસાફરો મીટર પ્રમાણે મુસાફરી કરે તો આ પ્રશ્ન જ ન રહે. જોકે, અમદાવાદમાં સૌથી મોટો કડવો વાસ્તવ એ પણ છે કે ડિજિટલ મીટર ફરજિયાત હોવા છતાં મોટાભાગના રિક્ષાચાલકો મીટર ચાલુ કરતા જ નથી અને ઉચક ભાડું માંગે છે, જેના કારણે સામાન્ય જનતા ઓનલાઇન એપ્સ પર નિર્ભર રહેવા મજબૂર બને છે.

એરપોર્ટ પર TV9 નું રિયાલિટી ચેક: ત્યાં મુસાફરોનો તદ્દન અલગ સૂર

શહેરમાં જ્યારે ભારત ટેક્સીનું ભાડું ઊંચું હોવાની વાત સામે આવી, ત્યારે સ્થિતિ તપાસવા TV9 ની ટીમ અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. જોકે અહીં મુસાફરોનો અનુભવ શહેર કરતાં તદ્દન વિપરીત જોવા મળ્યો હતો. એરપોર્ટ પર આવેલા મુસાફરોએ જણાવ્યું કે, ઉબર અને ઓલામાં વેઇટિંગ ટાઇમ ખૂબ લાંબો હોય છે અને ડ્રાઇવરો ઝડપથી રાઇડ સ્વીકારતા નથી.


એરપોર્ટ પર એક મુસાફરે TV9 ને જણાવ્યું કે, “ઉબરમાં એરપોર્ટ સુધીનું ભાડું ₹600 બતાવતું હતું, જ્યારે ભારત ટેક્સીમાં માત્ર ₹200 માં કેબ મળી ગઈ અને રાઇડર પણ તાત્કાલિક આવી ગયા.” અન્ય મુસાફરોએ પણ એરપોર્ટ રૂટ પર ભારત ટેક્સી ₹100 જેટલી સસ્તી પડી હોવાનું જણાવ્યું હતું.

સમગ્ર રીતે જોતાં, કંપનીઓની કમિશન નીતિથી નારાજ કેબ ચાલકો અને ભાડાના તફાવતમાં અટવાયેલા સામાન્ય મુસાફરો વચ્ચે અમદાવાદમાં ઓનલાઇન ટ્રાન્સપોર્ટેશન સેક્ટર ભારે ગૂંચવણ અને મનમાનીના દોરમાંથી પસાર થઈ રહ્યું છે.

Main Gate Vastu Tips: ઘરના મુખ્ય દ્વાર પર કયા દેવી-દેવતાઓની મૂર્તિ કે છબી લગાવવી શુભ ?

Published On - 6:13 pm, Wed, 23 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.