
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ શહેરમાં ધૂળ નિયંત્રણના નિયમોનું ઉલ્લંઘન કરનારી બાંધકામ સાઇટ્સ સામે કડક કાર્યવાહી કરી છે. 1 એપ્રિલથી 22 નવેમ્બર સુધીમાં AMC એ આવી સાઇટ્સને કુલ 4,114 નોટિસ ફટકારી છે અને દંડ પેટે રૂ. 3.48 કરોડથી વધુની વસૂલાત કરી છે. આ સમયગાળા દરમિયાન 1,186 બાંધકામ સાઇટ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિયમોનું પાલન ન કરવાને કારણે આશરે 30 સાઇટ્સને સીલ કરવામાં આવી છે.
આ કાર્યવાહી AMC ની ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસિસ પોલિસી હેઠળ કરવામાં આવી રહી છે. 20,000 ચોરસ મીટરથી વધુ કાર્પેટ એરિયા ધરાવતી બાંધકામ સાઇટ્સ પર ડસ્ટ સેન્સર લગાવવું ફરજિયાત છે. આ ઉપરાંત બિલ્ડરોએ બાંધકામ સ્થળે ગ્રીન નેટ લગાવવી, નિયમિત પાણીનો છંટકાવ કરવો, બાંધકામ સામગ્રીને ઢાંકીને રાખવી અને વાહનોનાં પૈડાં ધોવા માટેની વ્યવસ્થા કરવી જરૂરી છે.
શહેરની હવાની ગુણવત્તા સુધારવા માટે AMC એ વર્ષ 2026 થી 2029 સુધીનો ચાર વર્ષનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ યોજના હેઠળ શહેરમાં હાલમાં 13 ટકા જેટલું ગ્રીન કવર વધારીને વર્ષ 2029 સુધીમાં 13.5 ટકાથી વધુ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. શહેરમાં હવાની ગુણવત્તા પર નજર રાખવા માટે 10 કન્ટિન્યુઅસ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન અને 308 વધારાના સેન્સર કાર્યરત છે. તેમાં બાંધકામ સાઇટ્સ પર 243 ડસ્ટ સેન્સર, વોર્ડ ઓફિસોમાં આશરે 50 પર્યાવરણ સેન્સર અને ISRO દ્વારા લગાવવામાં આવેલા 15 સેન્સરનો સમાવેશ થાય છે.
AQMC ની ટીમો દરરોજ બાંધકામ સાઇટ્સ, ઔદ્યોગિક એકમો, રેડી-મિક્સ કોંક્રિટ પ્લાન્ટ અને રસ્તાઓનું નિરીક્ષણ કરે છે. હવાના પ્રદૂષણના સ્ત્રોતોને ઓળખીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. આ એક્શન પ્લાનમાં ધૂળમુક્ત રસ્તાઓ બનાવવા, ઔદ્યોગિક ઉત્સર્જન પર કડક નજર રાખવા, મશીનથી રસ્તાઓની સફાઈ કરવા, ગેરકાયદે બાંધકામ કચરાના નિકાલ સામે કાર્યવાહી કરવા અને ખુલ્લામાં કચરો સળગાવવા પર રોક લગાવવાનાં પગલાંનો પણ સમાવેશ થાય છે.