Kutch Rain Breaking: માંડવીમાં 6 ઇંચ વરસાદથી સરકારી હોસ્પિટલ બેટમાં ફેરવાઈ, અંજારની સોસાયટીઓના ઘરોમાં ઘૂસ્યા પાણી

કચ્છના માંડવી અને અંજારમાં મુશળધાર વરસાદે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. માંડવીની સરકારી હોસ્પિટલમાં ઘૂંટણસમા પાણી ભરાતાં દર્દીઓ લાચાર બન્યા છે, જ્યારે અંજારમાં ઘરોની અંદર પાણી ઘૂસી જતાં ભારે હોબાળો મચ્યો છે. 80 ટકા ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે જમીની વાસ્તવિકતા શું છે?

Kutch Rain Breaking: માંડવીમાં 6 ઇંચ વરસાદથી સરકારી હોસ્પિટલ બેટમાં ફેરવાઈ, અંજારની સોસાયટીઓના ઘરોમાં ઘૂસ્યા પાણી
Image Credit source: Tv9Gujarati
| Updated on: Sep 15, 2026 | 5:40 PM

કચ્છ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. માંડવી અને અંજાર પંથકમાં અનરાધાર વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના લીધે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે.

માંડવી શહેરમાં સવારે માત્ર બે જ કલાકમાં પાંચથી છ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા. સૌથી ગંભીર સ્થિતિ માંડવીની સરકારી હોસ્પિટલ પાસે સર્જાઈ હતી, જ્યાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં દાખલ દર્દીઓ, વૃદ્ધો અને સગા-સંબંધીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. બાવાવાડી પોસ્ટ ઓફિસ રોડ અને નાગનાથ મંદિર વિસ્તારમાં પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશોએ નગરપાલિકા પર 80 ટકા ભ્રષ્ટાચારનો અને નબળી પુલિયા કામગીરીનો ગંભીર આરોપ લગાવી જવાબદાર એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરી છે.

બીજી તરફ અંજાર તાલુકામાં પણ ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે. શિયાળ માથક રોડ પર આવેલી સિણાઈની વૃંદાવન વિલા સોસાયટીમાં વરસાદી પાણી ઘરોની અંદર ઘૂસી ગયા હતા. ઘરવખરી પલળી જતાં રહીશો ખાધા-પીધા વગર અટવાઈ પડ્યા હતા. તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થતાં લોકો તાત્કાલિક પાણીના નિકાલની માગ કરી રહ્યા છે.

સરકાર દ્વારા જ્યારે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યારે માત્ર જનતાને દેખાડવા પૂરતું કાચું-પાકું કામ કરી દેવાય છે અને તંત્રનો અસલી ચહેરો તો ચોમાસામાં સામે આવે છે, જ્યાં બધી યાતના સામાન્ય જનતાએ જ ભોગવવી પડે છે, કોઈ સરકારી અધિકારીને નહીં; કારણ કે અધિકારીઓ માટે તો તમામ સુવિધાઓ હાજર હોય છે જ્યારે સામાન્ય પ્રજા પાસેથી માત્ર આકરો ટેક્સ વસૂલવામાં આવે છે અને જો ટેક્સ ભરવામાં સહેજ પણ મોડું થાય તો તેમને હેરાન-પરેશાન કરવામાં આવે છે, પરંતુ સુવિધાના નામે માત્ર પોકળ દાવા જ મળે છે; પાણી પણ એવી જગ્યાએ ભરાયું છે જ્યાં દર્દી સારવાર લેવા આવે છે અને ઘણા ઇમરજન્સી કેસ આવે છે પણ આવું જળબંબાકર જેવી પરિસ્થિતિ સર્જાય તો એ લોકોનું શું થશે ? તે કેમ વિચારવામાં આવતું નથી …

ચૂંટણી આવે ત્યારે જ પ્રજાને રીઝવવા સારા રસ્તા બનાવી અપાય છે, પણ એ પણ પાંચ વર્ષમાં માત્ર એક જ વાર, બાકીના પાંચ વર્ષ સામાન્ય જનતા બિસ્માર રસ્તાઓ પર ધૂળ ખાતી પરેશાન થાય છે અને આજે સ્થિતિ એવી છે કે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, જે દર્શાવે છે કે ડ્રેનેજ લાઇન અને નિકાલની વ્યવસ્થા કેટલી હલકી ગુણવત્તાની છે, ત્યારે મોટો પ્રશ્ન એ થાય છે કે સામાન્ય જનતાના પરસેવાના ટેક્સના નાણાં સામે સરકાર તેમને સાચી સુવિધાઓ ક્યારે આપશે અને સામાન્ય નાગરિકને જીવનજરૂરી પ્રાથમિક સુવિધાઓ સરળતાથી ક્યારે નસીબ થશે?

Input Credit: નીતિન ગરવા, કચ્છ

Ahmedabad Breaking: નરોડાની પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં તંદૂરી રોટીમાંથી નીકળ્યો વાળ, ગ્રાહકે AMCમાં નોંધાવી ફરિયાદ- જુઓ Video

Published On - 5:37 pm, Tue, 15 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.