Cyclone Biporjoy : બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. અતિ ગંભીર વાવાઝોડું હાલ સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર યથાવત્ જોવા મળી રહ્યુ છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા મળતી માહિતી પ્રમાણે વાવાઝોડું હજુ આજે પણ પૂર્ણ નહીં થાય. સૌરાષ્ટ્ર કચ્છમાં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે સાંજ સુધીમાં વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થશે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સાંજ સુધીમાં વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થશે. પવનની ગતિ ઘટીને પ્રતિ કલાક 50થી 60 કિમી રહેશે. તો આજે દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયો વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 75થી 85 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ઉત્તર ગુજરાતમાં 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 8 જિલ્લામાં 1 લાખથી વધુ નાગરિકો વાવાઝોડાથી પ્રભાવિત થયાં છે. તમામ નાગરિકો શેલ્ટર હોમમાં સુરક્ષિત, જાનમાલનું નુકસાન ટળ્યું છે. NDRF અને SDRFની ટીમો રાહત અને બચાવમાં સતત કાર્યરત છે.
છેલ્લા 6 કલાક દરમિયાન 13 કિમી પ્રતિકલાકની ઝડપે ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે. વાવાઝોડું જખૌ બંદરથી લગભગ 40 કિમી ઉત્તરપૂર્વ તરફ દૂર ગયું અને નલિયાથી 30 કિમી ઉત્તરે દૂર આગળ વધ્યું છે. હવે સમગ્ર ઉત્તર ગુજરાતમાં લગભગ ઉત્તર પૂર્વ તરફ આગળ વધે અને ધીમે-ધીમે નબળું પડે તેવી શક્યતા છે. દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થયા બાદ વાવાઝોડાનો અંત આવે તેવી શક્યતા છે.
વાવાઝોડું સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થશે અને ત્યારબાદ પવનની ગતિમાં ઘટાડો થશે. આજે સાંજ સુધીમાં હવાની ગતિમાં વધુ ઘટાડો થઇ જશે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. અનેક વિસ્તારોમાં મકાનોના છાપરા ઉડવાની તેમજ વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થવાની ઘટના બની. તો કચ્છ અને દ્વારકાના અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:17 am, Fri, 16 June 23