ગુજરાતમાં આજે હોળીની (Holi) ઉજવણી બાદ આવતીકાલે ધૂળેટી અને રંગોત્સવ કાર્યક્રમ મનાવવામાં આવશે. જેમાં મોટાભાગના મંદિરોમાં ભગવાન માટે ફૂલડોલ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જો કે આ દરમ્યાન બોટાદના પ્રખ્યાત ધર્મ સ્થાન સાળંગપુર હનુમાન મંદિર (Salangpur Hanuman Temple ) ખાતે પ્રથમવાર રંગોત્સવ(Rangotsav) યોજવા જઈ રહ્યો છે. જેમાં ભક્તજનો પર 2000 કિલો રંગનો વરસાદ કરવામાં આવશે. તેમજ 25, ૦૦૦થી પણ વધુ ચૉકલેટ પ્રસાદ પણ પીરસવામાં આવશે. જ્યારે સાળંગપુર હનુમાન દાદાને ધુળેટી સાથે રંગ અને પિચકારીનો શણગાર કરવામાં આવ્યો છે.
પ્રસિદ્ધ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દાદાને અર્પણ કરાયેલાં 2 હજાર કિલોથી વધુ રંગ સંતો દ્વારા હરિભક્તો પર ઉડાડવામાં આવશે. રંગોત્સવ માટે હનુમાનજી મંદિર દ્વારા વિશેષ તૈયારી પણ કરવામાં આવી છે. આ માટે લોખંડની પાઇપમાં 3 કિલોથી વધુ રંગ ભરીને તેને બ્લાસ્ટ કરવામાં આવશે. બ્લાસ્ટ કરાયેલો રંગ 70 ફૂટ સુધી ઊંચે ઉડતાં આકાશમાં રંગબેરંગી નજારો જોવા મળશે. આ ઉપરાંત મંદિર પરિસરમાં 25 હજારથી વધુ અલગ-અલગ ચોકલેટ પણ હરિભક્તો પર ઉડાડવામાં આવશે.2 હજાર કિલોથી વધુ રંગ હરિભક્તોએ સાળંગપુરમાં મોકલાવ્યા છે. જેમાં સાળંગપુરમાં પહેલીવાર યોજાઇ રહેલાં રંગોત્સવ માટે ગુજરાતભરમાંથી હરિભક્તોએ અહીં રંગો મોકલાવ્યા છે.
સાળંગપુરમાં હનુમાનજી મંદિર દ્વારા રંગોત્સવ માટે વિશેષ તૈયારી કરી દેવામાં આવી છે. ધુળેટીના દિવસે દરેક હરિભક્તોને પ્રસાદીના રંગથી રંગવામાં આવશે. આ માટે આવતીકાલે મંદિરના વિશાળ પરિસરમાં સ્પેશિયલ ટેક્નોલોજી દ્વારા લોખંડની પાઇપમાં ત્રણ કિલો રંગ ભરીને બ્લાસ્ટ કરવામાં આવશે. ધુળેટીના દિવસે દાદાને 25 હજારથી વધુ ચોકલેટ પણ અર્પણ કરવામાં આવશે. આ પછી મંદિર પરિસરમાં રંગોત્સવ દરમિયાન પ્રસાદીની ચોકલેટ હરિભક્તો પર ઉડાડવામાં આવશે.
સાળંગપુર હનુમાનજી મંદિરમાં દાદાને ધુળેટી પર્વ પર વિશેષ રંગ અને પિચકારીથી શણગાર કરવામાં આવ્યો હતો. શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પૂર્ણિમા અને ધુળેટીના દિવસે દિવ્ય શણગાર કરાશે. દાદાને પંચરંગી વાઘા સહતિ માટલી અલગ-અલગ ફૂલ અને પાનનું ડેકોરેશન પણ કરાશે. દાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી પણ મૂકવામાં આવશે.
આ પણ વાંચો : ડાંગ દરબાર 2022ની પૂર્ણાહુતિ, લોકમેળાની આશરે 5 લાખ લોકોએ મુલાકાત લીધી
આ પણ વાંચો : Gujarat માં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય, હવે ધોરણ 1 થી અંગ્રેજી વિષય ભણાવાશે
Published On - 6:29 pm, Thu, 17 March 22