Breaking News : ‘મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારા બાળકને બચાવી લો…’, 26 જાન્યુઆરી પહેલા અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15થી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી

અમદાવાદ શહેરમાં ફરી એકવાર બોમ્બ ધમકીથી હડકંપ મચી ગયો છે. શહેરની 15થી વધુ સ્કૂલોને એક સાથે ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ-મેઇલ મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે. આ ધમકીમાં ખાલિસ્તાનનો ખુલ્લેઆમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ખાલિસ્તાનના દુશ્મન ગણાવવામાં આવ્યા છે.

Breaking News : મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારા બાળકને બચાવી લો..., 26 જાન્યુઆરી પહેલા અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15થી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી
| Edited By: | Updated on: Jan 23, 2026 | 11:53 AM

અમદાવાદ શહેરમાં ફરી એકવાર બોમ્બ ધમકીથી હડકંપ મચી ગયો છે. શહેરની 15થી વધુ સ્કૂલોને એક સાથે ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ-મેઇલ મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે. આ ધમકીમાં ખાલિસ્તાનનો ખુલ્લેઆમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ખાલિસ્તાનના દુશ્મન ગણાવવામાં આવ્યા છે.

જાણીતી સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી

પ્રાપ્ત માહિતી મુજબ, સેંટ ઝેવિયર્સ સ્કૂલ, DPS બોપલ, સંત કબીર સ્કૂલની ત્રણ અલગ અલગ બ્રાન્ચ, ઘાટલોડિયાની કેલોરેક્સ અને સ્વયમ સ્કૂલ, વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલય, જીનિવા ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ ઉસ્માનપુરાની ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત અનેક સ્કૂલોને ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો છે. મેઇલમાં બપોરે 1.11 વાગ્યે સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી.

26મી જાન્યુઆરીએ સ્કૂલોમાં તિરંગો ન ફરકાવવાની ધમકી

ધમકીભર્યા મેઇલમાં લખાયું છે કે, “મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન છે, તમારા બાળકને બચાવી લો.” સાથે જ “ખાલિસ્તાન જિંદાબાદ” અને “બાંગ્લાદેશ જિંદાબાદ” જેવા ઉશ્કેરણીજનક શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, 26મી જાન્યુઆરીએ સ્કૂલોમાં તિરંગો ન ફરકાવવાની ધમકી પણ આપવામાં આવી છે, જેને કારણે મામલો વધુ ગંભીર બન્યો છે.

મેઇલ મળતાની સાથે જ સ્કૂલ પ્રશાસન દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ સ્કૂલોમાંથી બાળકોને તાત્કાલિક રજા આપી દેવામાં આવી હતી. વાલીઓ દોડતા દોડતા સ્કૂલ પહોંચ્યા અને પોતાના બાળકોને સુરક્ષિત રીતે ઘરે લઈ ગયા હતા.

સ્થાનિક પોલીસ સાથે SOG, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તમામ સ્કૂલોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્કૂલના વર્ગખંડો, ઓફિસ, પાર્કિંગ વિસ્તાર અને સમગ્ર કેમ્પસની બારીક તપાસ કરવામાં આવી. હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ સુરક્ષા કારણોસર ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું છે.

આ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ વિભાગ દ્વારા ઇ-મેઇલની તપાસ શરૂ કરવામાં આવી છે. મેઇલ કયા સર્વર પરથી મોકલાયો, મોકલનાર કોણ છે અને તેની પાછળ કોઈ સંગઠન છે કે નહીં તે તમામ મુદ્દાઓ પર તપાસ તેજ કરવામાં આવી છે. 26 જાન્યુઆરી જેવા મહત્વના રાષ્ટ્રીય પર્વ પહેલા આવી ધમકી મળતા રાજ્યભરમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ પણ શંકાસ્પદ માહિતી હોય તો તરત પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:40 am, Fri, 23 January 26