આગામી 10 દિવસમાં વડોદરામાંથી રખડતા ઢોરની સમસ્યા દૂર થવી જોઇએ. વડોદરાના મેયર કેયુર રોકડિયાને આ અલ્ટિમેટમ આપ્યું છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે. એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી પાટીલે મેયર કેયુર રોકડિયાને મોટી ટકોર કરી. પાટીલે કહ્યું, કે મેયર કેયુર રોકડિયા યુવાન હોવાથી જોરદાર કામ કરશે તેવી આશા હતી, પણ તેઓ ધીમી ગતિએ કામ કરી રહ્યા છે. પાટીલે ટકોર કરી કે ધીમુ કામ નહીં ચાલે. પાટીલે રીતસર અલ્ટિમેટમ આપતા ટકોર કરી કે, 10 દિવસમાં પ્રશ્નનો ઉકેલ લાવો, નાગરિકો મને ફોન કરવા જોઇએ કે પ્રશ્ન ઉકેલાઇ ગયો,જોકે તેઓએ મેયરને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે પશુપાલકો સાથે બેઠક બંધ કરો, અને પરિણામ આપો.
તો પાટીલના મોટા નિવેદન બાદ મેયર કેયુર રોકડિયાએ પણ મોટો દાવો કર્યો.મેયર કેયુર રોકડિયાએ દાવો કર્યો છે રાજ્યમાં સૌથી વધુ ઢોર વડોદરામાં પકડવામાં આવ્યા છે. અને 15 જ દિવસમાં 600થી વધુ પશુઓને તેઓએ પાંજરે પુર્યા છે. જોકે તેઓએ પ્રદેશ અધ્યક્ષની ટકોરને માથે ચઢાવી અને વધુ સારી કામગીરીની હૈયાધારણા આપી.
મહત્વપૂર્ણ છે કે મેયર કેયુર રોકડિયાએ માત્ર 15 દિવસમાં રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ માટે જાહેરાત કરી હતી. અને પશુ માલિકો સાથે બેઠક કરીને પ્રશ્નના ઉકેલ માટે તજવીજ હાથ ધરી હતી. જોકે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે જો 15 દિવસમાં 600 રખડતા ઢોર પાંજરે પુરવામાં આવ્યા હોય, તો કેમ પાટીલે જાહેર મંચ પરથી મેયરને ટકોર કરવાની ફરજ પડી ?