
તાજેતરમાં જ રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે, જેમાં ભાવનગર મનપામાં ચૂંટાઈને આવેલા કોર્પોરેટરોની શૈક્ષણિક લાયકાત જોઈને મતદારોને પણ નવાઈ લાગી રહી છે. સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે, શિક્ષિત ઉમેદવારો ચૂંટાઈને આવે તો વિકાસના કામો ઝડપથી થાય પરંતુ ભાવનગરમાં કંઈક ઉલટું જ ચિત્ર જોવા મળ્યું છે. ભાવનગર મનપામાં પ્રજાએ ખોબલે ખોબલે મત આપીને જે 52 નગરસેવકોને ચૂંટ્યા છે, તેમાંથી અડધા નગરસેવકોએ પણ ઉચ્ચ અભ્યાસ કરેલો નથી.
મળતી માહિતી મુજબ, 52 નગરસેવકમાંથી 5 એવા છે કે, જેઓ માત્ર 7 ધોરણથી ઓછો અભ્યાસ ધરાવે છે, જ્યારે 14 નગરસેવકો ધોરણ-10માં નાપાસ થયેલા છે. આ ઉપરાંત 10 નગરસેવકો એવા છે કે, જેમણે ધોરણ-10 અને 12 સુધીનો અભ્યાસ કર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, ભાજપનો એક કોર્પોરેટર તો માત્ર એક ધોરણ સુધી જ ભણેલો છે. ઉચ્ચ અભ્યાસની વાત કરીએ તો, માત્ર 17 નગરસેવક ગ્રેજ્યુએટ છે.
ચૂંટાયેલા નગરસેવકોના અભ્યાસને લઈને કોંગ્રેસે હવે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ શહેર પ્રમુખે નિવેદન આપતા જણાવ્યું છે કે, આટલું ઓછું ભણેલા નગરસેવકો મનપાનો કરોડો રૂપિયાનો વહીવટ કઈ રીતે સંભાળશે? બીજી તરફ, શહેર ભાજપ પ્રમુખે નગરસેવકોના અભ્યાસ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ઘણા કોર્પોરેટરો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. બીજું કે, જે નગરસેવકો વધુ અભ્યાસ કરી શક્યા નથી, તેમની પાસે બહોળો અનુભવ અને કામ કરવાની ઉત્તમ ક્ષમતા છે. આથી, ઓછો અભ્યાસ વહીવટી કાર્યમાં કોઈ પણ પ્રકારે બાધારૂપ બનશે નહીં.
Published On - 4:22 pm, Tue, 5 May 26