
પદ્મ શ્રી એવોર્ડ માટે જેમનુ નામ જાહેર કરવામાં આવ્યું છે તે, હાજી રમકડુનુ નામ મતદાર યાદીમાંથી રદ કરવા માટે, જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ના ભાજપના કોર્પોરેટર સંજય મણવરે અરજી કરી છે. કોંગ્રેસે, ભાજપનો ખેલ ખુલ્લો પાડીને ભાજપના કોર્પોરેટર સામે પગલાં ભરવા માંગ કરી છે.
જૂનાગઢના રહીશ અને લોકકલા સાથે જોડાયેલા પદ્મ શ્રી હાજી રમકડુંનુ નામ મતદાર યાદીમાં કાઢવાનો પ્રયાસ ભાજપના કોર્પોરેટરે કર્યો છે. જૂનાગઢ મહાનદરપાલિકાના વોર્ડ નંબર 7ના ભાજપના કોર્પોરેટરે જ પદ્મશ્રી હાજી રમકડુનુ નામ મતદારયાદીમાંથી કાઢી નાખવા માટે અરજી કરતા હોબાળો મચી ગયો છે. એસઆઈઆર અંતર્ગત ફોર્મ નં. 7 રજૂ કરીને પદ્મશ્રી હાજી રમકડુંનુ નામ મતદાર યાદીમાંથી કાઢવા ચૂંટણી પંચમાં અરજી કરી છે. ફોર્મ નંબર 7માં સ્થાનિક ભાજપના કોર્પોરેટરે એવો દાવો કર્યો છે કે, હાજી રમકડું અન્યત્ર સ્થળાંતર થઈ ગયા છે.આ કારણોસર સંબંધિત અધિકારી સમક્ષ અરજી કરવામાં આવી છે. વોર્ડ નં. 7 ના ભાજપના નગરસેવક સંજય મણવરે હાજી રમકડુનુ નામ મતદારયાદીમાંથી રદ કરવા માટે અરજી કરી હતી.
હજુ તો બે દિવસ પહેલા હાજી રમકડુંનુ પદ્મ શ્રી આપવાની કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જૂનાગઢના ધારાસભ્ય સહિતનાઓએ, હાજી રમકડુના ઘરે જઈને હારતોરાથી સન્માનિત કર્યા હતા. પદ્મ શ્રીની જાહેરાત થઈ ત્યારે તમામે જૂનાગઢનું ગૌરવ હોવાની હર્ષભેર જાહેરાતો કરી હતી. અને એકાએક હવે હાજી રમકડું જૂનાગઢથી સ્થળાંતર કરી ગયા હોવાના બહાના હેઠળ અરજી થતા રાજકીય હોબાળો મચ્યો છે. કોંગ્રેસના નગરસેવકો બાદ પદ્મ શ્રીનું નામ રદ કરવા અરજી થતા મોટો હોબાળો થયો છે. મનપાના વિપક્ષ નેતા લલિત પણસારાએ, ભાજપ અને ચૂંટણી પંચનો ઉધડો લીધો હતો. ખોટી રીતે અરજી કરીને મતદારયાદીમાંથી નામ રદ કરાવવાની પેરવી કરનારા ભાજપના નગરસેવક સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.