રાજ્યના ખૂણે ખૂણા સુધી અને અંતરિયાળ ગામો ( Villages ) સુધી પીવાનું પાણી પહોંચી રહ્યું છે. અને જ્યાં પાણી નથી આવતું ત્યાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ” સરકારના પ્રધાનોને આવા ભાષણ આપતા તમે ચોક્કસ સાંભળ્યા હશે, પણ આ બધી ફક્ત વાતો જ છે. નલ સે જલ સહિતની યોજના અંતર્ગત કામ થઈ રહ્યા છે, તેમ છતાં રાજ્યના અનેક વિસ્તારો એવા છે, જ્યાં લોકોને પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે.
આ પણ વાંચો : Bhavnagar : નસીતપુર ગામે પોલીસના દરોડા, 600 કિલો નકલી કપાસનું બિયારણ ઝડપ્યું
આવો જ વિસ્તાર એટલે ભાવનગર જિલ્લામાં આવેલો ભાલ વિસ્તાર આવી કાળઝાળ ગરમીમાં પણ લોકોને પાણી મળી રહ્યું નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 30 દિવસથી પીવાનું પાણી નથી સવાર પડે એટલે મહિલાઓ, પુરુષો અને બાળકોને પાણીની શોધમાં નીકળવું પડે છે. અહીં સરકાર તરફથી તો કોઈ પાણીના ટેન્કર પહોંચાડવામાં આવતા નથી. પણ સ્થાનિકો વિવિધ સંસ્થાઓની સહાયથી પાણીના ટેન્કર મંગાવે છે.
આ વિસ્તારમાં તાજેતરમાં જ પાણીની નવી પાઈપલાઈન નાખવામાં આવી હતી. તેમ છતાં લોકો પાણીથી વંચિત છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાઈપલાઈનના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું છે. આ વિસ્તારમાં 6 કિલોમીટરની પાઈપલાઈન નાખવાને બદલે માત્ર 3 કિલોમીટર સુધીનું કામ કરવામાં આવ્યું અને બાકીના 3 કિલોમીટરમાં જૂની જ પાઈપથી કામ ચલાવવામાં આવ્યું છે. સ્થાનિક અધિકારીઓની ઉદાસીનતા અને ભ્રષ્ટ કામગીરીની સજા સ્થાનિકો ભોગવી રહ્યા છે.
લોકો પાણીથી વંચિત છે, પાણીના એક એક ટીંપા માટે રઝળપાટ કરી રહ્યા છે, તેમ છતાં એસી ઓફિસમાં બેસેલા અધિકારીઓને આ વાત ખોટી લાગે છે. અધિકારીનું કહેવું છે કે મહિનાથી પાણી નથી આવતું તે વાત ખોટી છે. સાથે જ જાણે લોકો પર ઉપકાર કરતા હોય તેમ અધિકારી કહી રહ્યા છે કે પાણીની યોગ્ય સગવડ કરવામાં આવે તેવી સૂચના આપી દેવામાં આવી છે.
સૂચના આપી દેવાથી બધુ બરાબર થઈ જશે, તેવું સમજતા આવા અધિકારીઓને કારણે જ પ્રજાને ભોગવવાનો વારો આવ્યો છે. જો સાચે જ સ્થાનિક તંત્રને પ્રજાની ચિંતા હોત તો લોકોને ભરઉનાળે પાણીની તંગીનો સામનો કરવો ન પડ્યો હોત. જોવાનું એ છે કે અધિકારીના દાવા વચ્ચે સ્થાનિકોને પાણી ક્યારે મળશે ?
ગુજરાતના અને ભાવનગર જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 1:36 pm, Thu, 18 May 23