Breaking News : ભાવનગર સમરસ છાત્રાલયમાં વિવાદ, વિદ્યાર્થિનીઓના ભોજનમાં જીવાતો, ગંદી થાળીઓ અને ઉત્પીડનના આક્ષેપો

ભાવનગરની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ ભોજનની ગુણવત્તા અને પાયાની સુવિધાઓને લઈને મોટો વિરોધ નોંધાવ્યો છે. ભોજનમાં જીવાતો નીકળવી, ગંદી થાળીઓ અને રજાની સમસ્યા જેવી અનેક ફરિયાદોને કારણે વિદ્યાર્થીનીઓ રોષે ભરાઈ હતી.

Breaking News : ભાવનગર સમરસ છાત્રાલયમાં વિવાદ, વિદ્યાર્થિનીઓના ભોજનમાં જીવાતો, ગંદી થાળીઓ અને ઉત્પીડનના આક્ષેપો
| Updated on: Aug 12, 2026 | 10:52 PM

ભાવનગર શહેરની સમરસ હોસ્ટેલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. આ વખતે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓએ ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા અને અન્ય પાયાની સુવિધાઓને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે તેમને અપાતા ભોજનમાંથી વારંવાર જીવાતો નીકળે છે અને પીવાની તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ અપૂરતી છે, જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઘટનાની વિગત મુજબ, સમરસ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ ભોજનમાં જોવા મળતી અસ્વચ્છતા અને અન્ય સમસ્યાઓ અંગે અનેક વખત હોસ્ટેલ વહીવટીતંત્ર સમક્ષ રજૂઆતો કરી હતી. પરંતુ તેમની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં ન આવતા અને કોઈ નક્કર પગલાં ન ભરાતા, વિદ્યાર્થિનીઓનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. પરિણામે, તેમણે હોસ્ટેલ ગ્રાઉન્ડમાં એકઠા થઈને જોરદાર સૂત્રોચ્ચાર અને હોબાળો મચાવ્યો હતો.

વિદ્યાર્થિનીઓએ મીડિયા સમક્ષ કરેલા ખુલાસામાં જણાવ્યું કે, તેમને જે થાળીઓમાં ભોજન પીરસવામાં આવે છે તે “ખુદ હોસ્ટેલના સ્ટાફને જમવું ન ગમે તેવી” ખરાબ અને ગંદી હોય છે. ભોજનમાંથી જીવડાં, કરોળિયા, વાંદા, ધનેડા જેવા અનેક પ્રકારના જંતુઓ નીકળતા હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા. આ ઉપરાંત, એક વિદ્યાર્થિનીએ તો ભોજનમાંથી સિગારેટનો ટુકડો નીકળ્યો હોવાનું પણ જણાવ્યું હતું, જે ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાની કથળી ગયેલી સ્થિતિ દર્શાવે છે.

ભોજનની સમસ્યા ઉપરાંત, વિદ્યાર્થિનીઓએ રજાની નીતિ, પીવાના પાણીની વ્યવસ્થા અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. એક વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, “અમને ફક્ત ત્રણ દિવસની રજા આપે છે. અમે દાહોદના છીએ, તો બે દિવસે તો ઘરે પહોંચીએ અને ત્રીજા દિવસે અહીંયા કેવી રીતના આવી શકીએ?” રજા લેવા જતી વિદ્યાર્થિનીઓને “સામાન ભરીને ઘરભેગા થઈ જાઓ” તેવી ધમકીઓ આપીને ટોર્ચર કરવામાં આવતું હોવાનો પણ સણસણતો આક્ષેપ કરાયો હતો.

વિદ્યાર્થિનીઓના આ વિરોધ પ્રદર્શનને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના સ્થાનિક નેતાઓએ પણ સમર્થન આપ્યું હતું. ABVPના એક નેતાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો આજે આ લોકોની માંગણીઓ નહીં સ્વીકારાય, તો ABVP બહેનો સાથે અહીંયા જ રહેશે, ભલે આખી રાત કે જેટલા દિવસ રહેવું પડે તેટલા દિવસ રહેશે અને તેમને ચોક્કસ ન્યાય અપાવશે.

વિદ્યાર્થિનીઓના ઉગ્ર વિરોધ અને ABVPના સમર્થન બાદ, હોસ્ટેલ અને સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ વિરોધ કરી રહેલી વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરી અને તેમની તમામ સમસ્યાઓ તથા માંગણીઓને ધ્યાનપૂર્વક સાંભળી હતી. અધિકારીઓએ વિદ્યાર્થિનીઓને ખાતરી આપી હતી કે, તેમની રજૂઆતો જે ભોજન અને અન્ય સુવિધાઓ બાબતે છે, તે તમામનો કાલ સુધીમાં નિકાલ કરવામાં આવશે. તેમણે વચન આપ્યું કે, દરેક ફરિયાદની સમીક્ષા કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે.

હવે સૌની નજર ભાવનગરના સમરસ હોસ્ટેલ વહીવટીતંત્ર પર છે કે તેઓ વિદ્યાર્થિનીઓની આ ગંભીર ફરિયાદોને કેટલી ગંભીરતાથી લે છે અને કયા નક્કર પગલાં ભરીને ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા, પીવાનું પાણી અને સુરક્ષા જેવી પાયાની સુવિધાઓમાં સુધારો લાવે છે. આ સમગ્ર ઘટના ભાવનગરના શૈક્ષણિક સંસ્થાનોમાં વિદ્યાર્થીઓના કલ્યાણ અને પાયાની સુવિધાઓના મહત્વને ઉજાગર કરે છે.

3.56 કરોડની અપ્રમાણસર મિલકત, કેતકી વ્યાસને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી, ACBને સોંપાઇ

Follow Us
Loading...
Unable to load recommendations.