ભાવનગર (Bhavnagar) ગ્રામ્યના ખેડૂતોને પૂરતી વીજળી (Electricity) ન મળવાથી ખેડૂતો (Farmers) પરેશાન થઈ રહ્યા છે. ભાવનગર તાલુકાના નાગધણીબા, સરતાનપર, ભડી, વાવડી સહિતના ગામોમાં ખેડૂતોને માત્ર ત્રણ-ચાર કલાક જ વીજળી મળી રહી હોવાથી ખેડૂતોના વાવેલા પાક પર નુકશાનીના વાદળો મંડાયા છે. ખેડૂતો માટે કુદરત રુઠે તો સરકાર સહાય કરે, પરંતુ સરકારી તંત્ર અને વીજકંપનીઓને કારણે જ જ્યારે વેઠવાનું આવે તો કોને કહેવું? ભાવનગર ગ્રામ્યના ખેડૂતોની હાલત પણ કંઈક એવી જ છે. આ ધરતીપૂત્રો માટે વીજળી વેરણ બની છે. ભાવનગર ગ્રામ્ય ખેડૂતો વીજ ધાંધિયાના કારણે પરેશાનીમાં મુકાયા છે. છેલ્લા એક વર્ષથી વીજ ધાંધિયાને કારણે ખેડૂતો ખેતીમાં અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વીજળીની અગવડને કારણે વાવેલા પાકને નુકસાન થઈ રહ્યુ છે.
ભાવનગર તાલુકાના નાગધણીબા, સરતાનપર, ભડી, વાવડી સહિતના ગામોમાં ખેડૂતોને માત્ર ત્રણ-ચાર કલાક જ વીજળી મળી રહી છે. જ્યારે કે સરકારે 8 કલાકથી વધુ વીજળીનો વાયદો કર્યો છે. હવે વીજળીના અભાવે વાવેલા પાકને સમયસર અને યોગ્ય રીતે પાણી આપી શકાતું નથી. જેને કારણે ખેતીમાં અનેક સમસ્યાઓ સર્જાય છે અને આ સમસ્યા આજકાલની નથી. છેલ્લા એક વર્ષથી વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન પરેશાન છે.
ખેડૂતોએ અનેક વખત મામસા ફીડરમાં અધિકારીને વીજળી બાબતે રજૂઆતો કરી છે, પરંતુ આજદિન સુધી ખેડૂતોને પૂરતી વીજળી આપવા માટેનું કોઈ નિવારણ આવી શક્યું નથી. હાલ ખેડૂતોને પિયત માટે પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂરિયાત ઉભી થતી હોય છે. પરંતુ ગામમાં અનેક વખત ખેતીવાડીની લાઈટ દિવસમાં બે-ત્રણ વાર જતી રહેતી હોય છે તો કેટલીક વાર તો બે ત્રણ દિવસ સુધી વીજ પુરવઠો જ બંધ રહેતો હોય છે, જેના કારણે ખેડૂતો ત્રસ્ત છે. ફોન ઉપર જ્યારે અધિકારીને જણાવવામાં આવે છે, ત્યારે વીજ કર્મચારીઓ અને અધિકારીઓ ઉકેલ લાવવાને બદલે ખેડૂતોને ગોળગોળ જવાબ આપી વાત ઉડાવી દે છે.
દિવસ આખો ખેતરમાં મહેનત કરીને પાક ઉગાડતા ખેડૂતોને અનેક મુશ્કેલીઓ આવતી હોય છે, પરંતુ એ બધી મુશ્કેલીઓ સામે જંગ જીતીને તેઓ પાક લણી લેતા હોય છે. પરંતુ આ વીજ કંપનીઓની આડોડાઈથી પરેશાન ખેડૂતો માટે હવે સરકાર જ એક આશાનું કિરણ છે.
આ પણ વાંચો- સુરતના માનદરવાજા વિસ્તારમાં આર્મીમેનની પત્ની ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ, ચાર વર્ષથી ચાલતો હતો છુટાછેડાનો કેસ
આ પણ વાંચો- Gandhinagar: રોગચાળો બેકાબૂ બનતા તબીબી ટીમના કલોલમાં ધામા, એક સપ્તાહમાં 500થી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા