
ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં વધુ એક મોતનો મામલો સામે આવ્યો છે. એક અઠવાડિયા અગાઉ રિક્ષાચાલક ભાવેશ વિસાણીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. શરૂઆતમાં દારૂ પીવાથી મોત થયાની માહિતી હતી, પરંતુ એફએસએલ અને વિશેરા રિપોર્ટમાં ઝેરી દારૂથી મોત થયાનું ખુલ્યું હતું. જેને પગલે ઘોઘારોડ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.
ફરિયાદ મુજબ સંજય અને મુકેશ પટેલને અગાઉ 14 લોકોના મોતની જાણ હોવા છતાં ભાવેશને નકલી રોયલ સ્ટેગની બોટલમાંથી ઝેરી દારૂ પીવડાવ્યો હતો. સંજય અગાઉ પણ લઠ્ઠાકાંડમાં ઝડપાઈ ચૂક્યો છે અને જેલહવાલે કરાયો છે. જ્યારે મુકેશ પટેલની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાંથી સામે આવેલા સમગ્ર ગુજરાતને હચમચાવી દેનારા લઠ્ઠાકાંડે અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. 18 ઓગસ્ટની રાત્રે ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં કેટલાક મિત્રોએ દારુ પાર્ટી કરી હતી. જેમા રોયલ સ્ટેગના નામે નક્લી દારૂનું સેવન કર્યુ હતુ. જે બાદ પાર્ટી કરનારા યુવકોની તબિયત લથડવા લાગી હતી. શરૂઆતમાં આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ હતુ. પરંતુ એક બાદ એક મિત્રોની તબિયત લથડવા લાગી હતી. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં મોતનો આંકડો 14 સુધી પહોંચી ગયો છે.
આ ઘટનામાં અત્યાર સુધીમાં SMC ની ટીમ દ્વારા 38 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 39માં આરોપી તરીકે પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલની સંડોવણી સામે આવતા અને તેની શંકાસ્પદ ભૂમિકાને જોતા ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં પોલીસ કર્મચારી સહિત કૂલ 39 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે. રાજદીપસિંહ ગોહિલ વરતેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. ગગનદીપ ગંભીરની તપાસના અંતે તેમની ધરપકડ કરી તેમની વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. તેમને આજે સાંજે ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કોર્ટની કાર્યવાહી પર સૌની નજર રહેશે.
Published On - 9:08 pm, Sun, 13 September 26