રાજ્યમાં ખુદ સરકારી અધિકારીઓની જ “જાસૂસી”નો સિલસિલો બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. અધિકારીઓની “બાજ નજર”થી બચવા માફિયાઓ રોજ નવી-નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. ભાવનગરમાંથી પણ કંઈક આવો જ ઘટનાક્રમ સામે આવી રહ્યો છે.
ભાવનગરમાં છેલ્લાં ઘણાં સમયથી તંત્ર દ્વારા ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે અધિકારીઓની આ “લાલ આંખ”થી બચવા માફિયાઓ અધિકારીઓ પર જ “બાજ નજર” રાખી રહ્યા હોવાનો ખુલાસો સામે આવ્યો છે. ભાવનગરના ખનીજ વિભાગના અધિકારીઓની ખનીજ માફિયાઓ દ્વારા “જાસૂસી” કરાતી હોવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
સરકારી અધિકારીઓની રેકી કરી વૉટ્સએપ ગ્રુપ દ્વારા તેની માહિતી ખનીજ માફિયાઓ સુધી પહોંચાડનાર 2 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલો 26 મેના રોજ સામે આવ્યો હતોચ જ્યારે ભૂસ્તર અધિકારી કોઈ કારણથી ઓફિસની બહાર આવ્યા અને કમ્પાઉન્ડમાં સિક્યોરિટી ગાર્ડ સાથે 3 શંકાસ્પદ શખ્સોને જોયા!
સમગ્ર મામલે ખનીજ શાખાના અધિકારીઓ દ્વારા નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલ 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જ્યારે બેને ઝડપી પાડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં સૌથી વધુ ગેરકાયદે ખનન શિહોર તાલુકામાં થાય છે. સૂત્રો પાસેથી મળથી માહિતી મુજબ આની જાણ સમગ્ર તંત્રને હોવા છતાં આ અંગે કડક કાર્યવાહી નથી કરાઈ રહી. તો બીજી તરફ ખનીજ માફિયાઓ દ્વારા જાસૂસી તો કરાઈ જ રહી છે. સાથે જે તેમની કેટલાંક સરકારી અધિકારીઓ અને ખુદ પોલીસકર્મીઓ સાથે સાંઠ-ગાંઠ હોવાના દાવાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે વધુ શું ખુલાસાઓ સામે આવે છે તે જોવુ રહ્યુ.