
રાજ્યના 13 આશાસ્પદ યુવકોને ભરખી જનારા ભાવનગર લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં SMC ની ટીમ દ્વારા 38 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 39માં આરોપી તરીકે પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલની સંડોવણી સામે આવતા અને તેની શંકાસ્પદ ભૂમિકાને જોતા ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં પોલીસ કર્મચારી સહિત કૂલ 39 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે. રાજદીપસિંહ ગોહિલ વરતેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. ગગનદીપ ગંભીરની તપાસના અંતે તેમની ધરપકડ કરી તેમની વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. તેમને આજે સાંજે ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કોર્ટની કાર્યવાહી પર સૌની નજર રહેશે.
હાલ SMC ની વડા ગગનદીપ ગંભીર છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી આ કેસની તપાસ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં પોલીસ વિભાગમાં પણ વધુ ચોંકાવનારા પરિણામો જોવા મળી શકે છે. તપાસકર્તા અધિકારી અજીતના મતે હજુ પણઅન્ય પોલીસકર્મીઓ અને કર્મચારીઓની સંડોવણી ખૂલી શકે છે.
હાલ SMC ની ટીમ દ્વારા આ કેસની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે જેમા PI, PSI સહિત અન્ય કોન્સ્ટેબલોના નિવેદનો પણ લેવાનાર છે જેના આધારે ચોંકાવનારી વિગતો ખૂલવાની અને હજુ નવી ફરિયાદો થવાની તેમજ બદલીઓ અને ટ્રાન્સફર થવાની પણ પુરી શક્યતા છે. SMC ની ટીમના વડાના જણાવ્યા અનુસાર આ ઘટનામાં જ્યાં જ્યાં થોડાઘણા પણ લૂપહોલ્સ જણાશે કે થોડે ઘણે અંશે પણ કોઈ કર્મચારીનું ઈન્વોલ્મેન્ટ હશે અથવા બેજવાબદારી હશે તો તેમને પણ છોડવામાં નહીં આવે. જો કે આ તમામ બાબતો તો તપાસને અંતે જ સામે આવશે. હાલ રાજદીપસિંહ ગોહિલની ધરપકડ માત્ર શરૂઆત છે અને ભાવનગર લઠ્ઠાકાંડની તપાસ વધુ ઊંડાણપૂર્વક આગળ વધી રહી છે, જેમાં અનેક મોટા માથાઓની સંડોવણી પણ સામે આવી શકે છે.
ભાવનગરમાંથી સામે આવેલા સમગ્ર ગુજરાતને હચમચાવી દેનારા લઠ્ઠાકાંડે અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. 18 ઓગસ્ટની રાત્રે ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં કેટલાક મિત્રોએ દારુ પાર્ટી કરી હતી. જેમા રોયલ સ્ટેગના નામે નક્લી દારૂનું સેવન કર્યુ હતુ. જે બાદ પાર્ટી કરનારા યુવકોની તબિયત લથડવા લાગી હતી. શરૂઆતમાં આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ હતુ. પરંતુ એક બાદ એક મિત્રોની તબિયત લથડવા લાગી અને આજે આ લઠ્ઠાકાંડમાં 13 લોકો મોતની નીંદ્રામાં પોઢી હયા છે.