ભાવનગરના ભરતનગરમાં જર્જરિત મકાનો પર ફર્યુ બુલડોઝર, અનેક ગરીબ પરિવારો બન્યા ઘરવિહોણા- Video

ભાવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જર્જરિત ફ્લેટ તોડવાની કાર્યવાહી શરૂ થઈ છે, જેમાં ભરતનગરમાં 40થી વધુ મકાનો પાડવામાં આવ્યા છે. ત્યારે અનેક ગરીબ પરિવારો ઘરવિહોણા બન્યા છે. તંત્ર દ્વારા કોઈ જ વૈકલ્પિક આવાસની વ્યવસ્થા ન કરાતા તેમની સ્થિતિ અત્યંત કફોડી બની છે.

ભાવનગરના ભરતનગરમાં જર્જરિત મકાનો પર ફર્યુ બુલડોઝર, અનેક ગરીબ પરિવારો બન્યા ઘરવિહોણા- Video
| Edited By: | Updated on: Jul 11, 2026 | 8:25 PM

ભાવનગરમાં જુદા જુદા વિસ્તારોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના અત્યંત જર્જરિત થયેલા ફ્લેટ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ભરતનગર વિસ્તારમાં આવેલા કૈલાસ સોસાયટી અને મારૂતિનગરમાં મકાનો તોડવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે, આગામી દિવસમાં શિવનગરમાં પણ ફ્લેટ તોડી પડાશે. જોકે જર્જરીત મકાનો તોડી પાડવા તે હાઉસિંગ બોર્ડ ની યોગ્ય કાર્યવાહી છે. પરંતુ આ હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહેતા માણસો ખૂબ જ આર્થિક રીતે પછાત હોય તેમની મુશ્કેલી વધી ગઈ છે. મકાન તો પડાઇ રહ્યા છે હાલ 40 મકાન પાડી દેવામાં આવ્યા છે અને નવા 80 મકાન પાડવાની કામગીરી શરૂ થશે ત્યારે આ ગરીબ માણસો ભાડે ક્યાં રહેવા જશે અને ભાડું કેવી રીતે ચૂકવશે તે ચિંતાનો વિષય તેમના માટે ઊભો થયો છે.

ભાવનગર શહેરમાં વર્ષોથી ગુજરાત હાઉસિંગ બોર્ડના ફ્લેટ છે. અનેક સોસાયટીઓમા લોકો ફ્લેટ ખાલી કરીને જતા રહ્યા છે. દર વર્ષે કોઈને કોઈ વિસ્તારમાં જર્જરિત ફ્લેટ તુટી પડે છે. તંત્ર દ્વારા નોટીસો ફટકારવામાં આવે છે, તો કોઈક વિસ્તારમાં રહીશોએ રિપેરિંગ કામ હાથ ધર્યુ હતુ. આવી પરિસ્થિતિ વચ્ચે અત્યંત જર્જરિત મકાનો તોડી પાડવા બોર્ડ દ્વારા નિર્ણય કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના ભરતનગર કૈલાસ સોસાયટીમાં 468 સ્કીમના એક બ્લોકના 18 ફ્લેટ તોડી પડાયા હતા, તો મારૂતિનગરમાં 216 સ્કીમમાં બે બ્લોકના 24 ફ્લેટ તોડવાની કાર્યવાહી જારી છે. આગામી સમયમાં હજુ શિવનગર 492 સ્કીમના જર્જરિત ફ્લેટ તોડી પડાશે તેમ સૂત્રોએ જણાવ્યુ હતુ. તંત્ર દ્વારા ફ્લેટ તોડી પાડવાની સાથોસાથ વીજ કનેકશનો. પાણીનો જોડાણો, ગટર કનેકશનો પણ તોડી નાખવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં આ ડીમોલેશનની કાર્યવાહી જારી રાખવામાં આવશે.

હાઉસિંગ બોર્ડ દ્વારા જર્જરીત મકાનો પાડવાની કામગીરી યોગ્ય છે કોઈને જાનહાનિ ન થાય તેના માટે, પરંતુ આ આવાસોમાં રહેતા લોકો ખૂબ જ સામાન્ય આવકવાળા છે સિક્યુરિટી અને મજૂરી કામ કરતા લોકો છે. તેમને અન્ય જગ્યાએ મકાન ભાડે ગોતવુ તે મુશ્કેલી ભરેલી વાત છે. અને આ સિવાય મકાનનું ભાડું ભરવું આટલા આર્થિક સંકટમાં તે પણ ચિંતા નો વિષય છે. ત્યારે જર્જરીત મકાન પાડવાની સાથે હાઉસિંગ બોર્ડ દ્વારા અહીંયા રહેતા રહીશો ને અન્ય જગ્યાએ રહેવાની વ્યવસ્થા યા તો ભાડાના રકમની વ્યવસ્થા કરી આપવી જોઈએ, ચોક્કસપણે જર્જરિત મકાનો પાડ વા તે ખૂબ જરૂરી હોય છે. પરંતુ સાથે સાથે આ ગરીબોની વાસ્તવિક સ્થિતિને સમજીને સરકારે પણ યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

ત્યારે સમગ્ર મામલે અધિકારીઓનું કહેવું છે કે રહીશોના પુનર્વસન અને તેમની મુશ્કેલીઓ અંગે નિયમો મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 

વરસાદી સિઝનમા AC શરૂ કરાય કે ના કરાય? જાણી લો સાચો જવાબ

Published On - 8:25 pm, Sat, 11 July 26

Follow Us