ભાવેણાવાસીઓને હરવા ફરવા માટેનો વધુ એક પિકનિક પોઈન્ટ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે રુવાપરી માતાજીના મંદિર પાસે લાખોના ખર્ચે તળાવ બનાવવામાં આવ્યુ હતુ. અહીં ઐતિહાસિક મંદિર હોવાથી અનેક શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે ત્યારે અમૃત સરોવર- 2 યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યુ અવે બાકડા મુકવામાં આવ્યા હતા. પરંતુ મનપાના સત્તાધિશોને જાણે તળાવની જાળવણીમાં કોઈ રસ જ ન હોય તેવુ ત્રણ જ વર્ષમાં તળાવની દુર્દશા સામે આવી છે. તળાવમાં કચરાના ગંજ જામ્યા છે પરંતુ તેની સફાઈ કરવામાં આવતી નથી. તળાવની આજુબાજુના સરાઉન્ડીંગ્સમાં મુકેલા બાકડા પણ તૂટી ગયા છે. આટલુ ઓછુ હોય તેમ તળાવમાંથી માથુ ફાટી જાય તેવી દુર્ગંધ આવી રહી છે, જેના કારણે લોકો 5 મિનિટ પણ અહીં ઉભા રહી શક્તા નથી. જરા વિચારો જે સ્થળને પિકનિક સ્પોટ બનાવવા બ્યુટિફેકશન કરાયુ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે.
અહીં નજીકમાં જ આવેલુ રૂવાપરી માતાજીનું મંદિર લાખો ભક્તિોની આસ્થાનું કેન્દ્ર છે. પરંતુ દુર્ગંધ અને ગંદકીના કારણે લોકો રોકાઈ શક્તા નથી. ત્રણ વર્ષ પહેલા જ્યારે તળાવનું બ્યુટિફિકેશન કરાયુ ત્યારે લોકોમાં આનંદની લાગણી હતી તેમને હરવા ફરવા માટે વધુ એ સુંદર સ્પોટ મળી રહેશે. પરંતુ ત્રણ જ વર્ષમાં તળાવ પ્રદૂષિત થયુ છે. જાળવણી કરવામાં નિષ્ફળ ગયેલા મનપાના સત્તાધિશો સફાઈ કરવાના બદલે ભાવેણાવાસીઓને ગંદકી ન કરવા અને જાળવણી કરવાની વિનંતિ કરી રહ્યા છે. વાસ્તવમાં તળાવની આ દુર્દશા નિયમિત સફાઈના અભાવે થઈ છે.
હાલ ભાવેણાવાસીઓના અને રૂવાપરી માતાજીના દર્શને આવતા હજારો ભાવિકોની એક જ માગ છે કે વહેલી તકે તળાવની સફાઈ કરવામાં આવે. તળાવ બિસમાર બને તે પહેલા મનપા સફાઈ કરી ઐતિહાસિક સ્થળની ગરિમા જળવાય તે રીતે તેની જાળવણી કરે. એક સમયે સુવિધા માટે બનાવાયેલુ તળાવ હાલ તો દુવિધા બનીને રહી ગયુ છે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar
Published On - 3:08 pm, Thu, 26 February 26