Bhavnagar : સરકારી તંત્રમાં ખરા સમયે જ રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. તેથી લોકોમાં રોષ ફેલાતો હોય છે. આવું જ ભાવનગર મહાનગરપાલિકાના (Corporation) ગાર્ડન વિભાગમાં જોવા મળી રહ્યું છે. ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગને ઉનાળાના દિવસોમાં જ સ્વિમિંગ પૂલ (Swimming pool)રિપેરિંગની કામગીરી કરવાનું સૂઝ્યું છે. તેથી આગામી એપ્રિલ માસમાં દસ દિવસ સ્વિમિંગ પુલ બંધ રહેશે, જેને લઈને તરવૈયામાં કચવાટ ઉભો થયો છે. જોકે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પૂછતાં તેમણે જણાવેલ કે અમે તાત્કાલિક ધોરણે ગાર્ડન વિભાગને સૂચના આપીએ છીએ. અને દસ દિવસ સ્વિમિંગ પૂલ બંધ ના રહે તેવી વ્યવસ્થા કરીશું.
ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ હેઠળના નિલમબાગ તથા સરદાર નગર સ્વિમિંગ પુલમાં આગામી તારીખ 1 થી 10 એપ્રિલ 2022 દરમિયાન રૂટિન મેન્ટનેસ તથા રીપેરીંગ કામ કરવામાં આવશે. તેથી બંને સ્વિમિંગ પૂલ બંધ રહેશે આગામી તારીખ 11 એપ્રિલે પણ બંધ રહેશે, તેથી આગામી તારીખ 12 એપ્રિલથી સ્વિમિંગ પૂલ રાબેતા મુજબ શરૂ થઈ જશે. જેની દરેક સભ્યોને નોંધ લેવા ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ જણાવેલ છે. દસ દિવસ રિપેરિંગ કામગીરી અને એક દિવસ રજા મળી કુલ 11 દિવસ સુધી બંને સ્વિમિંગ પુલો બંધ રહેવાના છે. ઉનાળાના દિવસોમાં સ્વિમિંગ પૂલમાં વધુ તરવૈયાઓ આવતા હોય છે. પરંતુ ઉનાળાના દિવસોમાં ગાર્ડન વિભાગને રિપેરિંગ કામગીરી યાદ આવી છે.
ઉનાળામાં 11 દિવસ સુધી બંધ રહેવાનું હોવાથી તરવૈયાઓમાં કચવાટ ઉભો થયો છે. સામાન્ય રીતે શિયાળા અને ચોમાસા દરમિયાન સ્વિમિંગપુલમાં ખૂબ જ ઓછા તરવૈયાઓ આવતા હોય છે. ત્યારે રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવે તો તરવૈયાઓને મુશ્કેલી ના પડે તેવુ જાણકારોમાં ચર્ચાઇ રહ્યું છે. ઉનાળાના દિવસોમાં શાળા કોલેજના વેકેશન પડતાં સ્વિમિંગ શીખવા ઘણા વિદ્યાર્થીઓ આવતા હોય, પરંતુ આવા સમયે સ્વિમિંગ પૂલ બંધ કરવામાં આવતા તરવૈયાઓમાં નારાજગી ફેલાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અને છેલ્લા બે વર્ષથી કોરોનાને લીધે સ્વિમિંગ પુલો બંધ હતા. અને હાલમાં આ વર્ષે જ્યારે સ્વિમિંગ પુલ શરૂ થયો અને ઉનાળાની શરૂઆત છે.
ત્યારે મેન્ટેનન્સના નામે 11 દિવસ સુધી બંધ રાખવાની વાત થતાંની જાહેરાત થતાં તરવૈયાઓ નારાજ જોવા મળે છે. જોકે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પૂછતાં તેમણે જણાવેલ કે ગાર્ડન વિભાગને સુચના આપેલ છે. બે દિવસથી ત્રણ દિવસમાં મેન્ટેન કરી રાબેતા મુજબ સ્વિમિંગપુલ શરૂ રહેશે. હવે જોવાનું એ રહેશે કે સૂચનાનું પાલન થાય છે કે ગાર્ડન વિભાગ પોતાનું ધાર્યું કરે છે.