
ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 પર પહોંચ્યો છે. હાર્દિક નામના વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનામાં ઘણા લોકો અસરગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. અસરગ્રસ્તોમાં કેટલાકની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે સમગ્ર મામલે પોલીસ અને તંત્ર દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.
લઠ્ઠાકાંડની તપાસ હવે સિહોર તાલુકા સુધી પહોંચી છે. સિહોર પોલીસે કાર્યવાહી કરીને પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ નામના બે શખ્સોની ધરપકડ કરી છે. બંનેની પૂછપરછ દરમિયાન નકલી દારૂના જથ્થા સાથે જોડાયેલી મહત્વની વિગતો સામે આવી રહી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓએ વરતેજના હરદીપ મોરી પાસેથી રોયલ સ્ટેગ દારૂની 54 બોટલ ખરીદી હતી. લઠ્ઠાકાંડ સર્જાયા બાદ બંનેએ સર અને સાગવાડીના ડુંગર નજીક દારૂનો નાશ કર્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
દરમિયાન ભાવનગર લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવેલા રઈસ અન્સારીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે તેની વધુ પૂછપરછ માટે રિમાન્ડની માગણી કરી હતી. SMC દ્વારા રઈસ અન્સારીના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી, જોકે તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
તપાસમાં ગૌતમ સોલંકી અને રઈસ અન્સારી દ્વારા નકલી દારૂ બનાવવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. પોલીસ હવે નકલી દારૂ બનાવવાની પ્રક્રિયા, તેમાં વપરાયેલા મટીરીયલ અને સમગ્ર નેટવર્ક અંગે તપાસ કરી રહી છે.
રઈસ અન્સારી સાથે જુબેર નામના વ્યક્તિનું નામ પણ આ લઠ્ઠાકાંડમાં સામે આવ્યું છે. તપાસ મુજબ મુખ્ય આરોપી સાથે મળીને જુદા-જુદા મટીરીયલ અમદાવાદથી ખરીદવામાં આવ્યા હતા. આ મટીરીયલનો ઉપયોગ નકલી દારૂ બનાવવા માટે કરવામાં આવ્યો હતો કે કેમ અને સમગ્ર કાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
રઈસ અન્સારીના 9 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ નકલી દારૂના ઉત્પાદનથી લઈને તેના વિતરણ સુધીના સમગ્ર નેટવર્કની વિગતો મેળવવાનો પ્રયાસ કરશે. અમદાવાદથી મટીરીયલ ખરીદવા સહિત અન્ય આરોપીઓ અને સપ્લાયરોની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે. બીજી તરફ, મૃત્યુઆંક વધતાં લઠ્ઠાકાંડને લઈને લોકોમાં ચિંતા અને રોષનો માહોલ છે.
આ પણ વાંચો- Breaking News : દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના, વણાંકબારા નજીક માછીમારોનો આબાદ બચાવ