કવિ દામોદરદાસ ખુશાલદાસ બોટાદકરે તેમની રચના “જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ”માં જનેતાનું મહત્વ સમજાવ્યું છે. વિશ્વમાં દરેક ચીજની જોડ જડશે પણ ક્યારેય જનેતાની જોડ મળશે નહીં!!! આજે અમે એક એવી જનેતાની વાત કરી રહ્યા છે જેણે સમાજના રૂઢિચુસ્ત વિચારને પડકાર ફેંકી સંતાનને જન્મ આપ્યો છે.
તેનું એક બોલ્ડ પગલું તેને જુનવાણી વિચારના લોકોના તિરસ્કારનો ભોગ બનાવે તેવો પણ ભય હતો પણ અડચણોની પ્રવાહ કર્યા વિના માતા અને પિતાની બેવડી ભુમિકા ભજવી મહિલાએ નારી શક્તિનું અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
માતા બનવું દરેક સ્ત્રીનું સ્વપ્ન હોય છે. ભરૂચની શિક્ષિકા ડિમ્પી પરમારે માતૃત્વ તરફ એક ઐતિહાસિક પગલું ભર્યું હતું. મહિલા નાના શહેરના સમાજના રૂઢિચુસ્ત વિચારોને પડકારી કુંવારી માતા બની છે. ગુજરાતના ખોબા જેવડા ભરૂચ શહેરમાં સંકુચિત લોકોની વિચારધારાના દાયરાને ભેદી એક અલગ પ્રથાનો ચીલો ચીતરાયો છે. આ સામે એકલું જીવન જીવતા લોકો માટે એડઓપશન ઉપરાંત ઘડપણની હાથલાકડી શોધવા ઉત્તમ વિકલ્પ પણ મળ્યો છે.
ડિમ્પી પરમારે સમાજ માટે એક અલગ પ્રથા અને મહિલાઓ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહી છે. ડિમ્પી એક એવી માતા છે જે કુંવારી છે અને તેણે નથી કર્યા લગ્ન કે નથી તે ત્યક્તા… પણ છતાં તેણે કાયદાની પ્રક્રિયા અને વિજ્ઞાનની વિકસતી ટેક્નોલોજીની મદદ દ્વારા ગર્ભ ધારણ કરી બાળકીને જન્મ આપ્યો છે. ફિલ્મી કહાનીઓમાં કુંવારી માતા સમાજના તીખા પ્રશ્નો અને ટીકાઓનો સામનો કરતી હોય છે પણ આ મહિલાએ કંઈક એવું કર્યું છે કે તેના પર સમાજ ગર્વ કરી રહ્યો છે. અમે તમને ડિમ્પી પરમારની કુંવારી માતા બનવાની રસપ્રદ કહાની જણાવી રહ્યા છે.
ભરૂચની નરનારાયણ સોસાયટીમાં રહેતા પરમાર પરિવારમાં એક દશકમાં એવું બન્યું કે કુટુંબનો દીકરો અને પિતા આ સમયગાળામાં માંદગીના કારણે મૃત્યુ પામ્યા હતા. વૃદ્ધ માતાની જવાબદારી ઘરની દીકરી ડિમ્પી પર આવી પડી હતી. ડિમ્પી નાનપણથી અલગ વિચાર સાથે આગળ ધપવાના મજબૂત મનોબળ ધરાવતા સ્વભાવના કારણે અલગ તરી આવતી હતી. બીમાર માતા સાથે પરિવારને સાચવવાની જવાબદારી આ યુવતીએ બખૂબી નિભાવી જાણી છે. 30 વર્ષની ઉંમર વીતી ગઈ હોવાથી ડિમ્પી પરમાર સામે એક મૂંઝવણ આવીને ઉભી રહી હતી. એકતરફ લગ્નના માગા આવવા લાગ્યા હતા તો બીજી તરફ બીમાર માતાની દરકારની ચિંતા હતી. બંને વિકલ્પ પૈકી પસંદગી ન પામનાર વિચાર ખુબ તકલીફ આપનાર હતો. આખરે મહિલાએ લગ્ન ન કરી જીવન જનેતાને સમર્પિત કરવાનું નક્કી કર્યું હતું.
એકતરફ માતાની સેવા કરવાનો નિર્ણય યથાર્થ લાગતો હતો પણ બીજી તરફ પરિવાર અને પરિચિત ડીમ્પીના ઘડપણમાં એકલતાની ચિતા વ્યક્ત કરતા હતા. સમસ્યાનો હલ કાઢવા ડિમ્પીએ ખુબ વિચાર કર્યો અને એક દિવસ તેના ધ્યાને આવ્યું કે ટીવી સિરિયલ નિર્માતા એકતા કપૂર કુંવારી માતા બની છે. આ વિચાર તેના મનમાં ઘર કરી ગયો હતો. ગૂગલ પર વિકલ્પ સર્ચ કરતા કરતા ડીમ્પીના ધ્યાને આવ્યું કે લગ્ન કે પતિ વગર પણ માતા બનવું શક્ય છે.દેશની ઘણી અભિનેત્રીઓ પણ આ વિકલ્પ અપનાવી ચુકી છે.
એક કાયદાકીય પ્રક્રિયાને અનુસરી ડિમ્પી પરમારે પોતાની કુખે બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું હતું. IVF સેન્ટરમાં સ્પર્મ ડોનરની મદદથી ગર્ભ ધારણ કરી કુંવારી માતા બનવાને કાયદો મંજૂરી આપે છે. આ પ્રક્રિયા માટે ડિમ્પીએ પહેલા ગુજરાતના જાણીતા IVF સેન્ટરનો સંપર્ક કર્યો પણ ડીમ્પીના બોલ્ડ સ્ટેપ માટે ગુજરાતની એકપણ તબીબી સંસ્થાએ સહમતી દર્શાવી નહી.
તપાસ કરતા – કરતા મુંબઈ સુધી મહિલા પહોંચી હતી. મુંબઈના અંધેરીના ગાયનેકોલોજિસ્ટ ડો. રીતુ હિન્દુજાએ મહિલાના વિચારને બિરદાવી તેના સ્વપ્નને સાકાર કરવા મદદરૂપ બનવાનું વચન આપી પહેલા એક લીગલ અને બાદમાં મેડિકલ પ્રોસેસ શરૂ કરાઈ હતી. સ્પર્મ બેન્કમાંથી સ્પર્મ મેળવી ડીમ્પીના ગર્ભાશયમાં મુકવામાં આવતા માત્ર 10 દિવસની સારવામાંજ મહિલાએ ગર્ભ ધારણ કરી લીધું હતું જે 9 મહિનાના ગર્ભ ધારણથી લઈ માતા બનવાના ચક્રને પસાર કરી આખરે એક સુંદર દીકરીની માતા બની હતી. બાળકીનું નામ ધ્યાના રાખવામાં આવ્યું છે.
કાયદો કુંવારી માતા બનવાના નિર્ણયને કાયદાકીય મંજૂરી આપે છે. આ માટે એક બાળકને દત્તક લેવાનો વિકલ્પ મળે છે તો બીજી વિકલ્પ સ્પર્મ ડોનરની મદદથી IVF દ્વારા બાળકને જન્મ આપવાની તક મળે છે. ડિમ્પી પરમારે બીજો વિકલ્પ પસંદ કર્યો હતો. આ માટે ડો રીતુ હિન્દુજાએ ખુબ સપોર્ટ કર્યો હતો. સ્પર્મ બેન્ક ડોનર્સની એક ફાઈલ રાખતી હોય છે. આ ફાઈલમાં ડોનરના ફોટોગ્રાફ્સ , નામ , સરનામું અને ઓળખ થાય તેવો એકપણ ઉલ્લેખ હોતો નથી. ફાઈલમાં ડોનરનો દેખાવ , રંગ , બાંધો , ફિટનેસ અને શોખની વિગતોનો ઉલ્લેખ કરાયો હોય છે. પસંદગીના પાત્રને નક્કી કરી તેના સ્પર્મને સ્પર્મ બેન્કમાંથી લેવામાં આવે છે. આ પ્રક્રિયામાં ગર્ભ ધારણ કરનાર અને સ્પર્મ આપનાર બંનેની વિગતો એકબીજાથી ગુપ્ત રાખવામાં આવે છે.ડિમ્પીએ પોતાનું પાત્ર પસંદ કરી સ્પર્મ IVF દ્વારા ગર્ભાશયમાં ઈન્જેક્ટ કરાવ્યા હતા. ટૂંકી પ્રક્રિયા બાદ મહિલા ગર્ભવતી બની હતી જેણે 9 મહિના બાદ સુંદર બાળકીને જન્મ આપ્યો હતો.
ડિમ્પી પરમારે tv9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમાજમાં દરેક પ્રકારના વિચારણા લોકો હોય છે. રૂઢિચુસ્ત પ્રથાથી અલગ રસ્તે આગળ વધીએ ત્યારે પડકારો જરૂર આવતા હોય છે પણ તેના નિર્ણયને એકાદ બે જુનવાણી વિચારણા લોકોને બાદ કરતા તમામ લોકોએ બિરદાવી સાથ આપ્યો છે. નાના શહેરમાં બાળકના નામના ઉલ્લેખ અથવા રજીસ્ટ્રેશન સમયે લોકો બાળકીના નામ પાછળ માતાના નામથી આશ્ચર્ય અનુભવે છે પણ તેને જવાબ આપવાની હવે આદત પડી ગઈ છે. દેશના જાણીતા ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી જેવી હસ્તીઓ જયારે નામ પાછળ પિતાના સ્થાને માતાનું નામ જોડવામાં ખચકાતા નથી ત્યારે ડિમ્પી બોલ્ડ એટીટ્યુડ સાથે આંખમાંઆંખ મિલાવી જવાબ આપી દે છે.
કાયદા નિષ્ણાંત રાકેશ પરમારે આ મામલે tv9 ને જણાવ્યું હતું કે કાયદો આ બાબતની મંજૂરી આપે છે. આ પ્રક્રિયા માટે કેટલીક ગોપનીયતાઓ જરૂરી હોય છે. બાળકના નામ પાછળ માતાનું નામ જોડવું એ કાયદેસરરીતે સ્વીકાર્ય છે. બાળકીને માતાની સંપત્તિમાંથી પુરેપુરો હક પણ મળે છે.
કુંવારીમાતા તરીકે ગર્ભ ધારણ કરી બાળકીને જન્મ આપનાર ડિમ્પી પરમારે જણાવ્યું હતું કે હું જાણું છું મેં સમાજની રૂઢિચુસ્ત પ્રથાને પડકારી છે. હું દરેક પડકાર અને પ્રશ્નનો નીડરતાથી જવાબ આપીશ. મારી દીકરીને ધ્યાના ડિમ્પી પરમાર માત્ર એક અલદયદી ઓળખ નહિ પણ એક પ્રતિષ્ઠિત અને જવાબદાર નાગરિક તરીકે ઓળખ મેળવશે તેવું મેં પોતાને અને ધ્યાનને વચન આપ્યું છે.
ફિલ્મ અને ટીવીની દુનિયામાં લગ્ન વિના માતૃત્વ સામાન્ય બાબત બની છે.આ નામોની સંખ્યા દરરોજ વધી રહી છે. નોંધનીય છે કે આ અભિનેત્રીઓએ પરંપરાગત નિયમો તોડીને સિંગલ મધર એટલે કે સિંગલ મધરહુડ બનવાની બિન્દાસ્ત ચર્ચાઓ પણ કરી છે. તેમના મતે માતાપિતા બનવાના આનંદનો અનુભવ કરવા માટે કોઈને જીવનસાથીની જરૂર નથી.
ઇલિયાના ડીક્રુઝ, એકતા કપૂર, સુષ્મિતા સેન, મોના અંબીગાંવકર, સાક્ષી તંવર અને નીના ગુપ્તા ટીવી સ્ક્રીનના એ જાણીતા ચહેરા છે જેમણે લગ્ન કે પતિ વગર કુંવારી માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે અને આજે ખુબ સુખી જીવન પસાર કરી રહ્યા છે.
પહેલો કિસ્સો નીના ગુપ્તાનો સામે આવ્યો હતો જે ખુબ ચર્ચાસ્પદ રહ્યો પણ નીના ડગી ન હતી. નીના ગુપ્તા એક ભારતીય અભિનેત્રી છે જેણે લગ્ન વિના પુત્રીને જન્મ આપ્યો અને તેનું નામ મસાબા રાખ્યું છે. નીના ગુપ્તા અને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડી વિવિયન રિચર્ડ્સ વચ્ચે અફેર હતું પરંતુ મસાબાનો જન્મ નીના અને રિચર્ડ્સના લગ્ન વગર થયો હતો. નીના ગુપ્તાએ સિંગલ મધર તરીકે પોતાના બાળકને ઉછેરવાના પડકારો વિશે ખુલીને વાત કરી છે. તેથી, બોલિવૂડમાં પ્રથમ સિંગલ મધર તરીકે નીના ગુપ્તાની પ્રશંસા કરવામાં આવી રહી છે.
આમતો એકતા કપૂરની સિરિયલ પારિવારિક નોકઝોક માટે જાણીતી છે પણ તેની એક હકારાત્મક બાબત ગુજરાતની મહિલા માટે જીવનનો પ્રેરણા સ્ત્રોત બની છે. ફિલ્મ અને સિરિયલ નિર્માતા એકતા કપૂર વર્ષ 2019 માં સરોગસી દ્વારા માતા બની હતી. ત્યારે તે 36 વર્ષની હતી. તેણે પોતાના પુત્રનું નામ રવિ કપૂર તેના પિતા જીતેન્દ્રના નામ પર રાખ્યું છે. હાલમાં એકતા કપૂરનો લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી પરંતુ તે માતા બનવાની અનુભૂતિનો ભરપૂર આનંદ માણી રહી છે.