
ભરૂચ: ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર કાયદાકીય ગુંચવણમાં ફસાયા છે. ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે ફરિયાદો બાદ હવે ભરૂચની કોર્ટે પોલીસની છબી ખરડવાના નિવેદન બદલ તેમને તેડું મોકલ્યું છે.
જુલાઈ 2024માં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ-અંકલેશ્વર ખાતેની INDIA ગઠબંધનની ઓફિસે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેમણે આખા ગુજરાતની પોલીસ દારૂ વેચતી હોવાની છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ નિવેદનને પોલીસની ઘોર બદનક્ષી સમાન ગણવામાં આવ્યું છે.
ભરૂચના તત્કાલીન એસપી (SP) મયુર ચાવડાએ ૧૭-૧૨-૨૦૨૪ના રોજ આપેલા રિપોર્ટના આધારે જિલ્લા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં ૧૮-૦૪-૨૦૨૬ના રોજ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરવામાં આવી હતી.આ દલીલોને ગ્રાહ્ય રાખીને ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવિન એન. જોષી દ્વારા ૦૪-૦૫-૨૦૨૬ના રોજ મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે:
આ મામલે પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમાર દ્વારા કરવામાં આવેલી બે અલગ-અલગ ફરિયાદોમાં ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે. પોલીસ તંત્ર વિરુદ્ધ જાહેર મંચ પરથી કરેલા આક્ષેપો હવે ધારાસભ્ય માટે કાયદાકીય પડકાર બની ગયા છે. હવે જોવાનું એ રહેશે કે ૨૩ જૂને કોર્ટ સમક્ષ હાજર થઈને ધારાસભ્ય ચૈતર વસાવા પોતાનો શું પક્ષ રજૂ કરે છે.
આ મામલે આપ ધારાસભ્ય ચૈતર વસવાનો સંપર્ક કરવામાં આવતા તેમણે કોર્ટની કાર્યવાહીની તેમને કોઈ જાણ ન હોવાથી હાલમાં પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું
ઝઘડિયા સ્થિત મેટ્રોપોલિટન એક્ઝિમકેમ પ્રા. લિ.માં 23 એપ્રિલે લાગેલી આગની દુર્ઘટનામાં 14 કામદારો ઈજાગ્રસ્ત થયા બાદ 3ના મોત નિપજ્યા હતા, આ ઘટના બાદ 27 એપ્રિલે કંપની પરિસરમાં પહોંચેલા આપ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે થયેલા ઘર્ષણ મામલે ઝઘડિયા પોલીસ મથકે ધારાસભ્ય વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા છે. આ ઘટના બાદ હવે ભરૂચ કોર્ટમાં ધારાસભ્ય સામે કાર્યવાહીની માહિતી મળી રહી છે.
Published On - 5:52 pm, Mon, 4 May 26