
ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનમાં કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો છે. ‘શ્રી વલ્લભ રેસીડન્સી’ નામે બિન-ખેતી પ્લોટો વેચી નિર્દોષ લોકોની પરસેવાની કમાણીની મૂડી પડાવી લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
આ મામલે પંજાબ નેશનલ બેંકના નિવૃત્ત કર્મચારી અલ્કેશભાઈ ભાનુપ્રસાદ દવે દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ આરોપીઓ બંસીભાઈ વલ્લભભાઈ લુણાગરીયા અને ભાવેશભાઈ ધનજીભાઈ ડોંગાએ હલદરવા ગામની સીમમાં આવેલા પ્લોટો પોતાના નામે ન હોવા છતાં લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ફરિયાદી અને અન્ય પ્લોટ ધારકો પાસેથી આશરે કુલ રૂપિયા ૯૭,૧૫,૪૯૯ પડાવી લઈ કોઈ કાયદેસરના વેચાણ દસ્તાવેજ કરી આપ્યા ન હતા.
ન્યાય માટે ભોગ બનનારા સિનિયર સિટીઝન અને મધ્યમ વર્ગના લોકોએ છેક મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સુધી દરવાજા ખટખટાવતા ગુજરાતના ચીફ સેક્રેટરી એક્શનમાં આવ્યા અને આખરે નબીપુર પોલીસે ગુનો દાખલ કરાવાયો હતો આ સમગ્ર કૌભાંડમાં કૃષ્ણકાંત વલ્લભ લુણાગરીયા સામે ગંભીર આક્ષેપ કરાયા છે જેને કેસમાં આરોપી તરીકે જોડવા માટે કોર્ટમાં કાનૂની રજૂઆત કરવામાં આવી છે. આ બિલ્ડરોએ વર્ષ 2015 થી બેંક ખાતાઓ ખોલાવી, પાવર ઓફ એટર્ની અને બાનાખત બનાવીને કરોડો રૂપિયા સેરવી લીધા હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે.
ભોગ બનનારા નાગરિકો હવે આ મામલે SIT ની રચના કરવાની અને સ્પેશિયલ સરકારી વકીલ મારફતે સરકારી પક્ષનો કેસ લડવા માંગ કરી રહ્યા છે જેથી કરીને તેમની જિંદગીની કમાણી પાછી મળી શકે. સામાન્ય જનતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે કે કોઈપણ જમીન કે પ્લોટની ખરીદી કરતા પહેલાં તેના દસ્તાવેજોની પૂરેપૂરી તપાસ કરવી કેટલી જરૂરી છે.
નબીપુર પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈ ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને કેસમાં સંડોવાયેલા તમામ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પીડિતોને હવે આશા છે કે તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડના તથ્યો બહાર આવશે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે.