
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ સમગ્ર રાજ્ય શિવભક્તિ અને આધ્યાત્મિકતાના રંગે રંગાયું છે પરંતુ વિરોધાભાસ એ છે કે, આ પવિત્ર દિવસોમાં જ જુગાર રમવાની સામાજિક બદી પણ વ્યાપકપણે માથું ઊંચકે છે. શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે ભરૂચ શહેર બી ડિવિઝનમાંથી આવી જ એક ઘટના સામે આવી છે જ્યાં જુગારની ક્લબનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.
ભરૂચ શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા કોઠી વડાપડા વિસ્તારમાં ખાનગી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે અચાનક છાપો માર્યો હતો. કોઠી વડાપડા સ્થિત જિગર સોની નામના શખ્સના મકાનમાં ધમધમતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચે ત્રાટકીને સ્થળ પરથી મકાનમાલિક જિગર સોની સહિત કુલ ૭ જુગારીઓને તીન-પત્તીનો હાર-જીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે અંગઝડતી તથા દાવ પરથી રોકડા સ્માર્ટફોન અને મોટરસાઇકલ મળી કુલ રૂપિયા 1,08,890 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાયદા અને વ્યવસ્થાની દ્રષ્ટિએ શ્રાવણના પ્રથમ દિવસે જ ક્રાઇમ બ્રાન્ચની આ સફળ રેડથી જુગારીયાઓમાં ભારે ફાળ પડી છે.
પોલીસે તમામ ૭ આરોપીઓ સામે જુગાર અટકાયતી અધિનિયમની કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પક્ટર આર. એમ. વસાવાને સોંપવામાં આવી છે. પોલીસ આ મોડ્યુલના મૂળ સુધી પહોંચવા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી રહી છે.
શ્રાવણ મહિનામાં જુગાર રમવાની અલગ અલગ વાતોથી તેને એક પ્રથાનું સ્વરૂપ આપી દેવાયું છે. ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ દરમિયાન તહેવારો, મેળાવડા અને ધાર્મિક પ્રસંગોને કારણે પરિવારજનો અને મિત્રો એકઠા થાય છે. આવા પ્રસંગોમાં મનોરંજન તરીકે પત્તા રમવાની વર્ષી પહેલાની પ્રથા એ ઘણા લોકોમાં બદીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે
કેટલાક લોકો તેને જૂની પરંપરા અથવા શ્રાવણની રમૂજી પ્રથા માને છે, પરંતુ તેનો કોઈ સ્પષ્ટ ધાર્મિક આધાર નથી. શ્રાવણમાં જુગાર રમવો ધાર્મિક ઉલ્લેખ નથી પરંતુ ખોટી વાતોની આડમાં આ પ્રથા પાડી દેવાઈ છે
Published On - 2:15 pm, Thu, 13 August 26