
ભરૂચ જિલ્લાની દહેજ પોલીસે એક મોટી સફળતા મેળવતા ગુજરાત ફ્લોરો કેમિકલ લિમીટેડ (GFL) કંપનીના વેરહાઉસમાં થયેલી કરોડો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે રૂ. 3.21 કરોડથી વધુના મુદ્દામાલ સાથે કુલ 6 રીઢા તસ્કરોની ધરપકડ કરી છે.
અટાલી ગામની સીમમાં આવેલી GFL કંપનીના ‘વી-લોજિસ્ટિક’ વેરહાઉસમાં ગત તા. 15 અને 16 એપ્રિલ દરમિયાન તસ્કરોએ ત્રાટકી પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ વેરહાઉસમાંથી અત્યંત કિંમતી એવા 21 નંગ મિકેનિકલ સીલ, ઇન્ડસ્ટ્રીયલ વાલ્વ અને અન્ય સ્પેરપાર્ટ્સ મળી કુલ રૂ. 3,16,83,000/- ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ મામલે દહેજ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.
ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણા અને ડીવાયએસપી ડો. અનિલ સીસારાના માર્ગદર્શન હેઠળ દહેજ પીઆઈ એચ.બી. ઝાલાએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે ચોરીના મુદ્દામાલ સાથે કેટલાક ઇસમો વાદળી રંગની બ્રેઝા ગાડીમાં રહીયાદ ચોકડી તરફ આવી રહ્યા છે. પોલીસે વોચ ગોઠવી ગાડીને આંતરી તપાસ કરતા તેમાંથી 3 નંગ મિકેનિકલ સીલ મળી આવ્યા હતા. આરોપીઓની કડક પૂછપરછમાં અન્ય મુદ્દામાલ રહીયાદ ચોકડી પાસેની એક પતરાની દુકાનમાં છુપાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. સર્વેલન્સ ટીમના પોલીસ કોન્સ્ટેબલ સેતાનસિંહ અને જીતેશકુમારને મળેલી સચોટ બાતમીને કારણે જ આરોપીઓને રંગેહાથ ઝડપી શકાયા.
પકડાયેલા આરોપીઓ પૈકી જયદેવ પટેલ અને રાજદીપસિંહ અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે. પૂછપરછમાં આ ટોળકીએ એક મહિના અગાઉ માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી ચોરીની પણ કબૂલાત કરી છે. હાલમાં પોલીસ આ મામલે વોન્ટેડ આરોપી બલવિંદરસિંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ ઈન્સ્પેકટર એચ.બી.ઝાલા, પોલીસ સબ ઈન્સ્પેકટર સા.શ્રી એન.આર.પાથર તથા અ.હે.કો દિપજયભાઈ ગગજીભાઈ, અ.હે.કો.અશ્વિનભાઈ છગનભાઈ તથા અ.હે.કો જીગ્નેશકુમાર કેશાભાઈ, પો.કો સેતાનસિંહ દલપતસિંહ, પો.કો. જીતેશકુમાર સમીરભાઈ, પો.કો પરેશભાઈ પરબતભાઈ, પો.કો નિલાભાઈ રામાભાઈ, પો.કો અરવિંદકુમાર હિંમતરામ, નાઓ દ્રારા ટીમવર્કથી ગુનાનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી નાખ્યો હતો