
ભરૂચ : ડિજિટલ યુગમાં ઓનલાઇન નાણાકીય છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા સમયમાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઓનલાઇન ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને મોટી રાહત આપતી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સાયબર ક્રાઇમનો ભોગ બનેલા અલગ-અલગ 7 અરજદારોને તેમની મહેનતની કમાણીના કુલ રૂ. 60,56,507 ઠગો પાસેથી પરત અપાવવામાં સફળતા મળી છે.
મળતી માહિતી અનુસાર વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ, ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને ભરૂચ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ઓનલાઇન નાણાકીય ફ્રોડના ભોગ બનેલા નાગરિકોના નાણાં પરત અપાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારો દ્વારા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી NCCRP પોર્ટલ પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મળતા જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.સી. વસાવા અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને છેતરપિંડીમાં ગયેલા નાણાં વિવિધ બેંક ખાતાઓમાં હોલ્ડ અને ફ્રીઝ કરાવ્યા હતા.
સાયબર પોલીસની ઝડપી કામગીરીના કારણે ગુજરાત રાજ્ય તેમજ રાજ્ય બહાર આવેલી વિવિધ બેંકોમાં ટ્રાન્સફર થયેલી રકમ સમયસર ફ્રીઝ કરવામાં આવી હતી. જેના કારણે ભોગ બનનાર નાગરિકોના નાણાં સુરક્ષિત રાખવામાં સફળતા મળી હતી.
નાણાં ઝડપથી પરત મળે તે માટે સાયબર પોલીસ દ્વારા જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને નામદાર કોર્ટમાં અરજીઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રયાસો સફળ રહ્યા અને ચીફ કોર્ટ ભરૂચ દ્વારા તારીખ 2 જૂન, 2026ના રોજ તમામ 7 અરજદારોને કુલ રૂ. 60,56,507 પરત કરવા માટે ઐતિહાસિક આદેશ આપવામાં આવ્યો હતો.
કોર્ટના આદેશના અનુસંધાનમાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પોલીસ ઇન્સપેક્ટર આર.સી. વસાવા અને પોલીસ ઇન્સપેક્ટર કે.ડી. માંગરોલીયાના હસ્તે ભોગ બનનાર તમામ નાગરિકોને કોર્ટ હુકમનું વિતરણ કરવામાં આવ્યું અને નાણાં પરત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી.
આ સમગ્ર સફળ કામગીરીમાં પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકગીરી જયેશગીરી સહિત સાયબર ક્રાઇમ ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી ભોગ બનનારાઓને તેમની મહેનતની કમાણી પરત મળી શકી છે.
આ પ્રસંગે સાયબર સેલ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈપણ વ્યક્તિ ઓનલાઇન અથવા સાયબર છેતરપિંડીનો ભોગ બને તો વિલંબ કર્યા વિના તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરે અને ફરિયાદ નોંધાવે. સમયસર જાણ કરવાથી છેતરાયેલી રકમ બ્લોક કરીને તેને પરત મેળવવાની શક્યતા વધી જાય છે.
Published On - 1:13 pm, Thu, 4 June 26