
ભાવનગર જિલ્લામાં આવેલ ભાલ પંથક પહેલેથી જ પાણીની સમસ્યાથી પીડાય છે. છતા તંત્ર દ્વારા અહીં પાણીની સમસ્યાનું કાયમી કોઈ નિરાકરણ લાવવામાં આવતુ નથી. હાલ કાળજાળ ગરમી વચ્ચે પણ ભાલ પંથકના લોકો પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ભાલ પંથકમાં આવેલા કોટડા, ગણેશગઢ, સનેસ અને ભડભીડ, નર્મદ અને કાળા તળાવ સહિતના ગામોમાં પાણી ન આવતા ગામલોકોને પીવાનું પાણી પણ મળતુ નથી. ભર ઉનાળે અને ધોમધખતા તાપમાં પણ ગામની મહિલાઓ માથા પર બે-બે, ચાર બેડા લઈને પાણી માટે રઝળપાટ કરી રહી છે.
અસહ્ય તાપ વચ્ચે મહિલાઓના માથે ખાલી બેડાનો ભાર પણ અસહ્ય બન્યો છે. ભર ઉનાળે ગામની મહિલાઓ બેડા માથે મુકીને પાણી લેવા માટે નીકળી પડે છે.ભાલ પંથકના ગામોમાં પાણીની સમસ્યા કોઈ એક બે દિવસની સમસ્યા નથી. કેટલાક ગામોમાં છેલ્લા એક મહિનાથી પાણી નથી આવી રહ્યુ તો કેટલાક ગામો બે મહિનાથી પાણી વિના વલખા મારી રહ્યા છે.
હાલ સ્થિતિ એવી છે કે પાણી માટે ગામલોકોને ન છૂટકે ટેન્કર પર આધાર રાખવો પડે છે.જેના કારણે ગામલોકોને આર્થિક બોજો પણ વધી રહ્યો છે. તંત્રને પાણીની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરાઈ હોવા છતા કોઈ પગલા લેવામાં આવતા નથી. કેટલાય એવા ગામો છે જ્યાં નિયમિત પાણી વિતરણ થતુ નથી. છેલ્લા કેટલાય સમયથી ગામોમાં એક એક સપ્તાહ સુધી પાણી નથી આવતુ અને ગામલોકોની હાલત કફોડી બની જાય છે.
ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત આ પ્રદેશના લોકોનો મુખ્ય વ્યવસાય જ ખેતી છે. ત્યારે પાણીની મોકાણ વચ્ચે પશુપાલકો અને માલધારીઓની સ્થિતિ કફોડી બની છે. એક તરફ ગરમીના લીધે પાણીની જરૂરિયાત વધી છે અને બીજી તરફ પાણી મળતું જ નથી. લોકો પરિવાર અને પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવા પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ગ્રામજનોની એક જ માગ છે કે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે. ત્યારે સમગ્ર મામલે જ્યારે અમે તાલુકા વિકાસ અધિકારી સાથે વાતચીત કરી. તો તેમણે જણાવ્યું કે આ મુદ્દો પાણી પુરવઠા વિભાગ હેઠળ આવે છે. તો બીજી તરફ પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર આ અંગે કંઈપણ કહેવા તૈયાર નથી.
Published On - 6:35 pm, Sun, 24 May 26